
ભુજ: ‘મહાજનનું મામેરું’ યોજના હેઠળ 279મા દીકરીના લગ્ન સંપન્ન, નવવધૂને રૂ. 11 હજારનું બોન્ડ અર્પણ
ભુજ: શ્રી ક.વી.ઓ. જૈન મહાજન દ્વારા સંચાલિત ‘મહાજનનું મામેરું’ યોજના હેઠળ 279મા દીકરીના લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયા. નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામના સ્વર્ગસ્થ કાનજીભાઈ ગરવાની પુત્રી મનીષાના લગ્ન ભુજના મોહનભાઈ ગરવાના પુત્ર મનિષ સાથે હર્ષોલ્લાસભેર યોજાયા હતા.
આ સેવા કાર્ય છેલ્લા 15 વર્ષથી અનશનવ્રતધારી અને જૈન સમાજરત્ન તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાની આગેવાનીમાં ચાલતી આ યોજના આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગીય પરિવારોની દીકરીઓના લગ્નમાં કોઈપણ જાતિ કે સમાજના ભેદભાવ વિના સહયોગ પૂરો પાડી રહી છે.
પ્રમુખ જીગરભાઈ છેડાએ જણાવ્યું કે આજના સમયમાં દીકરીના લગ્નનો ખર્ચ સામાન્ય પરિવારો માટે મોટો પડકાર બની ગયો છે. આવી સ્થિતિમાં ‘મહાજનનું મામેરું’ યોજના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેમણે વધુ જરૂરિયાતમંદ પરિવારોને યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી તેમજ દાતાશ્રીઓના સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
લગ્ન પ્રસંગે વિવિધ દાતાશ્રીઓ દ્વારા નવવધૂને ઘરવખરી અને ઉપયોગી ભેટસોગાદ આપવામાં આવી હતી. ઉપરાંત સંસ્થા તરફથી રૂ. 11 હજારનું બોન્ડ પણ ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મહાજનના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, સખીવૃંદના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના કાર્યકરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.
