
અષાઢી ગુપ્ત નવરાત્રી : ગુપ્ત સાધના, શક્તિ ઉપાસના અને મનોકામના પૂર્ણ કરનાર પવિત્ર પર્વ
લેખન : માલા રાવલ
માતા આદિશક્તિની આરાધના માટે વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ ઉજવવામાં આવે છે. ચૈત્ર, અષાઢ, આસો અને માઘ મહિનાની નવરાત્રિઓનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. તેમાં અષાઢ અને માઘ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ નવરાત્રી સામાન્ય ભક્તોની સાથે સાથે તંત્ર-મંત્ર, સાધના અને આધ્યાત્મિક સિદ્ધિ માટે પ્રયત્નશીલ સાધકો અને સંન્યાસીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
માર્કંડેય પુરાણના દેવી મહાત્મ્ય મુજબ, મહિષાસુર જેવા અસુરોના અત્યાચારથી દેવતાઓ વ્યથિત બન્યા હતા. ત્યારે તમામ દેવોએ પોતાની દિવ્ય શક્તિઓનું એકત્રીકરણ કર્યું. આ દિવ્ય તેજમાંથી આદિશક્તિ માતા દુર્ગાનું પ્રાગટ્ય થયું. ભગવાન શિવ સહિત તમામ દેવોએ માતાને પોતાના દિવ્ય શસ્ત્રો અર્પણ કર્યા. ત્યારબાદ માતા દુર્ગાએ મહિષાસુર સહિત અનેક આસુરી શક્તિઓનો સંહાર કરીને દેવો અને સમગ્ર સૃષ્ટિને ત્રાસમાંથી મુક્તિ અપાવી. આ ઘટનાની સ્મૃતિમાં માતાની વિવિધ સ્વરૂપોની ઉપાસના માટે વર્ષમાં ચાર નવરાત્રિ ઉજવવાની પરંપરા શરૂ થઈ.
અષાઢ અને માઘ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. આ નવરાત્રી મુખ્યત્વે તંત્ર-મંત્ર, જપ, તપ અને ગુપ્ત સાધના માટે જાણીતી છે. સંન્યાસીઓ અને સાધકો આ સમય દરમિયાન દશ મહાવિદ્યાઓની ઉપાસના કરીને આધ્યાત્મિક શક્તિ અને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ નવરાત્રી દરમિયાન કરવામાં આવેલી ઉપાસનાથી ગ્રહદોષ, નજરદોષ, નકારાત્મક ઊર્જા અને તાંત્રિક પ્રભાવમાંથી મુક્તિ મળે છે તથા મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગુપ્ત નવરાત્રીમાં દશ મહાવિદ્યાઓની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. આ દશ મહાવિદ્યાઓમાં મા કાળી, મા તારા, ત્રિપુરસુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે. આ તમામ શક્તિ સ્વરૂપોની ભક્તિથી આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
ગુપ્ત નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. પૂજાના સ્થળને ગંગાજળથી પવિત્ર કરવું. લાલ અથવા પીળા કપડાથી સજાવેલા બાજોઠ પર કળશ સ્થાપિત કરવો. કળશમાં પાણી, સોપારી, એક રૂપિયાનો સિક્કો, કંકુ અને ચોખા મૂકવા. ત્યારબાદ આંબાના સાત પાન મૂકીને તેના ઉપર નારિયેળ સ્થાપિત કરવો. માતાજીની મૂર્તિ અથવા તસવીર સ્થાપીને ધૂપ-દીપ પ્રગટાવી શ્રદ્ધાપૂર્વક દુર્ગા સપ્તશતી અથવા શક્તિ પાઠનું પઠન કરવું અને પોતાની મનોકામના માતાજીના ચરણોમાં અર્પણ કરવી.
નવ દિવસ દરમિયાન માતાજીને અલગ-અલગ પ્રસાદ ધરાવવાની પરંપરા છે. પ્રથમ દિવસે ઘી, બીજા દિવસે સાકર, ત્રીજા દિવસે દૂધ, ચોથા દિવસે માલપુઆ, પાંચમા દિવસે કેળા, છઠ્ઠા દિવસે મધ, સાતમા દિવસે ગોળ, આઠમા દિવસે નારિયેળ અને નવમા દિવસે ખીર, શીરો, પૂરી તથા ચણાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
આ નવ દિવસ દરમિયાન સાત્વિક આહાર લેવો, લસણ-કાંદા સહિત તામસી ભોજનનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે માતાની ઉપાસના કરવી. ઉપવાસ શક્ય ન હોય તો પણ ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.
ગુપ્ત નવરાત્રીનું એક મહત્વપૂર્ણ નિયમ એ છે કે પોતાની સાધના, જપ અને વ્રતની ચર્ચા અન્ય કોઈ સાથે ન કરવી. ગુપ્ત રીતે કરવામાં આવેલી સાધના વધુ ફળદાયી અને સિદ્ધિદાયક માનવામાં આવે છે.
આદિશક્તિ માતાની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
