
ભુજના યુવકે લગ્નના બહાને મહિલા પ્રોફેસર સાથે રૂ. 13 લાખની છેતરપિંડી, સાયબર ક્રાઇમમાં ફરિયાદ
મેટ્રિમોનિયલ વેબસાઇટ પર જીવનસાથી શોધવાની પ્રક્રિયા ગાંધીનગરની એક સરકારી યુનિવર્સિટીની 36 વર્ષીય મહિલા પ્રોફેસર માટે ભારે પડી છે. ભુજના યુવક સાથે લગ્નની આશા રાખનાર પ્રોફેસરે વિશ્વાસના આધારે સંબંધ આગળ વધાર્યો હતો, પરંતુ અંતે રૂ. 13 લાખની છેતરપિંડીનો ભોગ બનતા ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, મહિલા પ્રોફેસરનો પરિચય મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ પર ભુજના આયાનગર વિસ્તારમાં રહેતા હિતેન ઠક્કર સાથે થયો હતો. બંને વચ્ચે લગભગ એક વર્ષ સુધી વોટ્સએપ પર વાતચીત ચાલી હતી. ત્યારબાદ હિતેન ગાંધીનગર આવીને મહિલા પ્રોફેસરને મળતો રહ્યો અને બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, હિતેન મહિલા પ્રોફેસરને શ્રીનાથજીના દર્શન માટે પણ લઈ ગયો હતો. આ દરમિયાન તેણે પ્રોફેસરને વજન ઘટાડવાથી વધુ સુંદર લાગશો તેવી વાત કરી હતી. લગ્નની આશામાં મહિલા પ્રોફેસરે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. સર્જરી દરમિયાન સેવા અને મદદના બહાને હિતેન સતત તેમની સાથે રહ્યો હતો અને આ દરમિયાન તેણે બેંક ખાતા સંબંધિત પાસવર્ડ સહિતની મહત્વની માહિતી મેળવી લીધી હતી.
આરોપ છે કે સર્જરી દરમિયાન અને ત્યારબાદ અલગ-અલગ હપ્તામાં મહિલા પ્રોફેસરના ખાતામાંથી આશરે રૂ. 13 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે મહિલા પ્રોફેસરને ફિક્સ ડિપોઝિટ અને અન્ય રકમ ઉપડી જવાની જાણ થઈ ત્યારે તેમણે હિતેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે સંપર્ક તોડી નાખ્યો હતો.
છેવટે મહિલા પ્રોફેસરે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મામલે તપાસ કરી રહેલા અધિકારી કે.વી. ચૌધરીએ જણાવ્યું કે, આરોપી હિતેન ઠક્કરના ભુજ અને બેંગ્લોર એમ બે સરનામાની માહિતી મળી છે. બંને સ્થળે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, હિતેન ઠક્કરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો મોબાઇલ ફોન બંધ હોવાથી સંપર્ક થઈ શક્યો નહોતો.
