
ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: લવ જેહાદ-પોક્સો કેસમાં દોષિતને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ
ભુજની વિશેષ પોક્સો કોર્ટે લવ જેહાદ અને પોક્સો સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં મહારાષ્ટ્રના જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખને અંતિમ શ્વાસ સુધીની સખ્ત આજીવન કેદની સજા ફટકારી છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ હેઠળ કચ્છ જિલ્લામાં આરોપીને દોષિત ઠેરવી સજા કરાયેલો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવે છે.

કેસની વિગતો અનુસાર, માંડવી તાલુકાની મૂળ રહેવાસી અને તે સમયે મહારાષ્ટ્રમાં રહેતી સગીર યુવતીની ઓળખ ઓનલાઈન ગેમ દરમિયાન ‘જીગર’ નામની આઈડી ધરાવતા વ્યક્તિ સાથે થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ આઈડી જીયાદ શેખની હતી, જેણે પોતાની ધાર્મિક ઓળખ છુપાવી યુવતી સાથે મિત્રતા કેળવી હતી.
આરોપીએ લગ્નના ખોટા વચનો આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સાથે જ તેના અશ્લીલ ફોટોગ્રાફ લઈ તેને વાયરલ કરવાની ધમકી આપી ફરી દુષ્કર્મ આચર્યું અને ધર્મ પરિવર્તન કરીને નિકાહ કરવા દબાણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

યુવતીએ સંબંધો તોડી નાખ્યા બાદ પણ આરોપી તેનો પીછો કરતો રહ્યો. પરિવાર કચ્છ પરત ફર્યા બાદ યુવતીની સગાઈ થતાં આરોપીએ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે અશ્લીલ ફોટોગ્રાફ વાયરલ કર્યા હતા, જેના કારણે તેની સગાઈ તૂટી ગઈ હતી. આરોપીએ અન્ય બે વ્યક્તિઓની મદદથી યુવતીના પરિવાર અંગે માહિતી મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ મામલે ઓક્ટોબર 2024માં ભુજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પોક્સો એક્ટ, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ, આઈટી એક્ટ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધી મહારાષ્ટ્રમાંથી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.

કોર્ટ સમક્ષ રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના આધારે વિશેષ પોક્સો કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ અંતિમ શ્વાસ સુધીની સખ્ત આજીવન કેદ અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિતાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવાની ભલામણ પણ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે સહઆરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ભુજ કોર્ટનો આ ચુકાદો કચ્છમાં મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધના ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.


વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો