
ભુજ: કચ્છ જિલ્લામાં વરસાદની અછતને કારણે પશુપાલકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે “ખાસ કિસ્સામાં” મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરી બાદ કચ્છના પશુપાલકોને રાહતદરે ઘાસચારો વિતરણ કરવામાં આવશે.

આ યોજના હેઠળ એક ઘાસ કાર્ડ પર વધુમાં વધુ પાંચ પશુઓ માટે પશુદીઠ દરરોજ ચાર કિલોગ્રામ સુકો ઘાસ રૂ.2 પ્રતિ કિલોગ્રામના રાહતદરે આપવામાં આવશે. આ લાભ નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, જમીનવિહોણા પશુપાલકો અને માલધારીઓને મળશે.
કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારની મંજૂરી બાદ જિલ્લામાં રાહતદરે ઘાસ વિતરણની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હાલ વન વિભાગના વિવિધ ડેપોમાં કુલ 28 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે, જેનું આયોજનબદ્ધ રીતે વિતરણ કરવામાં આવશે.
પશુપાલકોને ઘાસ મેળવવા માટે પોતાના ગામના તલાટી પાસે જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. અરજીના આધારે મામલતદાર દ્વારા ઘાસ કાર્ડ આપવામાં આવશે. ત્યારબાદ આ કાર્ડના આધારે નજીકના વન વિભાગના ગોડાઉનમાંથી રાહતદરે ઘાસ મેળવી શકાશે.
કલેક્ટરે જણાવ્યું કે કચ્છ જિલ્લા વહીવટીતંત્રની દરખાસ્ત અને સ્થાનિક જનપ્રતિનિધિઓ, આગેવાનો તથા પશુપાલક મંડળોની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ સહાનુભૂતિપૂર્ણ નિર્ણય લીધો છે. પશુધનના સંરક્ષણ માટે આ યોજના કચ્છના હજારો પશુપાલકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
