
અદાણી CNGના ભાવમાં ફરી ₹2નો વધારો, અમદાવાદમાં હવે પ્રતિ કિલો ₹90.20; 2026માં કુલ ₹10નો ભાવવધારો
રિક્ષાચાલકો અને CNG વાહનધારકો પર વધ્યું ભારણ, સતત ભાવવધારાથી મોંઘવારીની ચિંતા
અમદાવાદ: અદાણી CNGએ ફરી એકવાર CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો જાહેર કર્યો છે. નવા ભાવ મુજબ હવે અમદાવાદમાં CNGનો દર ₹88.20થી વધીને પ્રતિ કિલો ₹90.20 થયો છે. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં કુલ ₹10 પ્રતિ કિલોનો ભાવવધારો થતાં CNG પર નિર્ભર લાખો વાહનચાલકો અને રિક્ષાચાલકો પર સીધી અસર જોવા મળશે.
અદાણી CNG દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ 27 મે, 2026ના રોજ પણ પ્રતિ કિલો ₹2નો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધતા ભાવોને કારણે વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.
રિક્ષાચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે સરકારે એક મહિના અગાઉ ભાડા વધારાની મંજૂરી આપી હતી, પરંતુ હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યું નથી. જેના કારણે રિક્ષાચાલકો વધેલા ઇંધણ ખર્ચ છતાં જૂના ભાડા પર સેવા આપવા મજબૂર બન્યા છે. તેમણે કહ્યું કે, CNGના નવા ભાવવધારાથી રિક્ષાચાલકોની આર્થિક મુશ્કેલી વધુ વધી જશે.
તાજેતરના સમયમાં CNGના ભાવમાં વારંવાર ફેરફાર થતા CNG વાહનધારકોમાં પણ ચિંતા વધી છે. ઇંધણ ખર્ચમાં સતત વધારો થતાં પરિવહન ખર્ચ પર તેની સીધી અસર પડશે અને તેનો બોજ સામાન્ય નાગરિકો સુધી પહોંચવાની શક્યતા છે.

