
અમદાવાદના સીજી રોડ પર પોલીસની પ્લેટ લગાવેલી કારનો અકસ્માત, દંપતીને ટક્કર બાદ હોબાળો
અમદાવાદના સી.જી. રોડ પર મોડી રાત્રે એક કાર અકસ્માતે ભારે ચકચાર મચાવી હતી. પોલીસની પ્લેટ લગાવેલી એક કારે ટુ-વ્હીલર પર જઈ રહેલા દંપતીને ટક્કર મારતા બંને રસ્તા પર પટકાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જોકે દંપતીને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, કાર વળાંક લેતી વખતે ટુ-વ્હીલરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. દરમિયાન કારની તપાસ કરતાં અંદરથી પોલીસની વર્ધી અને આગળના ભાગે પોલીસની પ્લેટ મળી આવતાં લોકોમાં ભારે હોબાળો મચ્યો હતો.
સ્થાનિક લોકોએ કારચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, પોલીસે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ અંગે બી-ડિવિઝન પોલીસના પીઆઈ આર.એસ. પટેલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ભોગ બનનાર દંપતીએ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી. અકસ્માત સર્જનાર વાહન ખરેખર પોલીસનું હતું કે નહીં અને અન્ય તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. ફરિયાદ નોંધાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
