E20 Petrol : E20 પેટ્રોલ અંગે સરકારની સ્પષ્ટતા

E20 Petrol : E20 પેટ્રોલ અંગે સરકારની સ્પષ્ટતા

E20 Petrol : E20 પેટ્રોલ અંગે સરકારની સ્પષ્ટતા: એન્જિનને નુકસાન નહીં, અફવાઓથી દૂર રહેવા અપીલ, આવો જાણીએ સરકારે E20 પેટ્રોલ અંગે આપેલી 10 મહત્વની સ્પષ્ટતાઓ

E20 Petrol : દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવીને E20 ઇંધણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલને લઈને અનેક પ્રકારની અફવાઓ અને ભ્રામક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. કોઈ એન્જિનને નુકસાન થવાની વાત કરે છે તો કોઈ માઈલેજ ઘટવાની અથવા વીમા રદ થવાની આશંકા વ્યક્ત કરે છે.

આ તમામ ચર્ચાઓ વચ્ચે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, E20 કાર્યક્રમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભ્યાસ, પરીક્ષણો અને વિશ્વના અનેક દેશોના સફળ અનુભવના આધારે અમલમાં મૂકવામાં આવ્યો છે. સરકારે લોકો પાસે અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ પણ કરી છે.

E20 Petrol : આવો જાણીએ સરકારે E20 પેટ્રોલ અંગે આપેલી 10 મહત્વની સ્પષ્ટતાઓ

ઇથેનોલ બનાવવા માટે હજારો લિટર પાણી વપરાય છે?

સરકારના જણાવ્યા મુજબ એક લિટર ઇથેનોલ બનાવવા માટે 10,000 લિટર પાણી વપરાય છે તે દાવો ખોટો છે. ઇથેનોલ પ્લાન્ટમાં સામાન્ય રીતે પ્રતિ લિટર ઉત્પાદન માટે અંદાજે 3થી 5 લિટર પ્રોસેસ્ડ પાણીનો ઉપયોગ થાય છે અને અનેક પ્લાન્ટમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ દ્વારા પાણીનો પુનઃઉપયોગ કરવામાં આવે છે.

E20 કોઈ નવો પ્રયોગ નથી

E20 ઇંધણનો ઉપયોગ વિશ્વના અનેક દેશોમાં વર્ષોથી થઈ રહ્યો છે. અમેરિકા, બ્રાઝિલ, કેનેડા, જાપાન, થાઈલેન્ડ તેમજ ઘણા યુરોપિયન દેશોમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સફળતાપૂર્વક વપરાઈ રહ્યું છે.

એન્જિનને નુકસાન થાય છે?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ARAI સહિતની સંસ્થાઓના અભ્યાસમાં E20ના કારણે એન્જિન અથવા વાહનના પ્રદર્શન પર કોઈ નોંધપાત્ર નકારાત્મક અસર જોવા મળી નથી. જોકે, કેટલાક જૂના વાહનોમાં રબરના અમુક ભાગો સમય પહેલાં બદલવાની જરૂર પડી શકે છે.

માઈલેજ પર કેટલી અસર થાય છે?

સરકારના જણાવ્યા મુજબ E20 પેટ્રોલના ઉપયોગથી માઈલેજમાં માત્ર ખૂબ જ નાનો ફેરફાર જોવા મળે છે અને સામાન્ય ડ્રાઇવિંગ અનુભવમાં કોઈ ખાસ તફાવત અનુભવાતો નથી.

વીમા અને વોરંટી પર અસર થશે?

E20 માટે ડિઝાઇન કરાયેલા અથવા ઉત્પાદક કંપની દ્વારા મંજૂર કરાયેલા વાહનોની વોરંટી અને ઇન્સ્યોરન્સ પર કોઈ અસર થતી નથી.

ઇથેનોલથી કીડીઓ કે મધમાખીઓ આકર્ષાય છે?

આ દાવાને પણ સરકારે ખોટો ગણાવ્યો છે. ફ્યુઅલ ગ્રેડ ઇથેનોલમાં ખાંડ કે એવી કોઈ વસ્તુ હોતી નથી જે કીડીઓ અથવા મધમાખીઓને આકર્ષે.

E20 અંગે કોર્ટમાં શું ચાલી રહ્યું છે?

સરકારે જણાવ્યું છે કે કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી E20 કાર્યક્રમની કાયદેસરતા અંગે છે, ઇથેનોલ ખરીદીના કરારો અંગે નહીં. તેથી સોશિયલ મીડિયા પર કરવામાં આવતા અનેક દાવાઓ ભ્રામક છે.

ઇંધણમાં પાણી ભળી જવાની શક્યતા છે?

સરકારના જણાવ્યા મુજબ આધુનિક વાહનો અને પેટ્રોલ પંપમાં એવી ટેકનોલોજી ઉપલબ્ધ છે જે ઇંધણમાં પાણી પ્રવેશતું અટકાવવામાં મદદરૂપ બને છે.

સરસવના રસથી ઇથેનોલ બનાવવાના વીડિયો સાચા છે?

મંત્રાલયે આવા તમામ વીડિયોને નકલી ગણાવ્યા છે. ફ્યુઅલ ગ્રેડ ઇથેનોલનું ઉત્પાદન નિર્ધારિત ઔદ્યોગિક પ્રક્રિયા અને ગુણવત્તાના ધોરણો મુજબ જ કરવામાં આવે છે.

દેશને શું લાભ થયો?

સરકારના દાવા મુજબ પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણથી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેનાથી અંદાજે ₹1.9 લાખ કરોડથી વધુની વિદેશી ચલણની બચત થઈ છે, ખેડૂતોને ₹1.6 લાખ કરોડથી વધુની આવક મળી છે, લગભગ 31 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ આયાતમાં ઘટાડો થયો છે તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળી છે.

E20 પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ સરકારનું કહેવું છે કે અત્યાર સુધીના વૈજ્ઞાનિક અભ્યાસો અને પરીક્ષણોમાં એન્જિનને કોઈ મોટું નુકસાન થતું હોવાનું સામે આવ્યું નથી. માઈલેજમાં પણ માત્ર નાનો ફેરફાર જોવા મળે છે. સરકારનું માનવું છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ દેશને ઇંધણ આયાતમાં બચત, ખેડૂતોની આવકમાં વધારો અને પર્યાવરણના સંરક્ષણ જેવા અનેક લાંબા ગાળાના લાભ આપી શકે છે. તેથી વાહનચાલકોએ માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ અને અફવાઓથી દૂર રહેવું જોઈએ.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *