
Maharashtra Deputy CM મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, તમામ કાર્યક્રમ રદ
Maharashtra Deputy CM મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત લથડતાં તેમને થાણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને ગઈકાલથી સતત તાવ, શરીરમાં દુઃખાવો અને ભારે સુસ્તી (અશક્તિ) જણાતી હતી. ડૉક્ટરોની કડક સલાહ બાદ સાવચેતીના પગલા રૂપે તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. હાલ હોસ્પિટલમાં તેમનું નિયમિત હેલ્થ ચેકઅપ અને જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યાનુસાર, તેમની સ્થિતિ હાલ સ્થિર છે અને ડૉક્ટરોની એક વિશેષ ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે.

Maharashtra Deputy CM રાજકીય ગરમાવા વચ્ચે તબિયત બગડી
એકનાથ શિંદેની તબિયત એવા સમયે બગડી છે જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ મચેલી છે. તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને મોટો ઝટકો આપીને તેમના છ બળવાખોર સાંસદો એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સામેલ થયા છે. આ મોટા રાજકીય ઘટનાક્રમથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
અમે ઓપરેશન અધૂરું છોડતા નથી: એકનાથ શિંદે
સાંસદોના પક્ષપલટા અંગે તાજેતરમાં જ એકનાથ શિંદેએ વિપક્ષ પર કટાક્ષ કરતા ગર્જના કરી હતી કે, ‘આજે છ સાંસદો અમારી સાથે જોડાયા છે. હવે અહીં માત્ર એક નહીં, પરંતુ છ-છ વાઘ હાજર છે. અમે કોઈપણ ઓપરેશનને ક્યારેય અડધે રસ્તે છોડતા નથી, ઓપરેશન હવે સંપૂર્ણપણે સફળ રહ્યું છે. તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કર્યા બાદ જ આ છ સાંસદો સત્તાવાર રીતે અમારી સાથે જોડાયા છે.

