
અમદાવાદ: રિકન્સ્ટ્રક્શન કરવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો, JCP ઈજાગ્રસ્ત, વળતી કાર્યવાહીમાં આરોપીને ગોળી વાગી
અમદાવાદ શહેરના ચંડોલા તળાવ વિસ્તારમાંથી એક ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક રીઢા આરોપીને દબોચી લેવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર આરોપીએ જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલને ઈજા પહોંચી છે. બીજી તરફ, પોલીસે પણ આક્રમક વળતો પ્રહાર કરીને આરોપીના પગમાં ગોળી મારી તેને ઠાર કર્યો હતો.
આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો
મળતી પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચંડોલા તળાવ ખાતે એક વોન્ટેડ આરોપી હાજર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ આરોપીને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે તેને ચારેય તરફથી ઘેરી લેતા, આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોલીસ ટીમ પર હિંસક હુમલો કરી દીધો હતો.
આ હુમલા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના વડા JCP વચ્ચે પડતા તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા અને પોતાની સુરક્ષા કાજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તાત્કાલિક વળતી કાર્યવાહી કરી હતી. પોલીસે હવામાં અને ત્યારબાદ આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
JCP ઈજાગ્રસ્ત, વળતી કાર્યવાહીમાં આરોપીને વાગી ગોળી

Advertisement
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલામાં ઘાયલ થયેલા JCPને તાત્કાલિક અસરે સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને પણ પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલ લઈ જવાયો છે. હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગેરકાયદેસર હથિયારો રાખવા અંગેની બાતમીના આધારે, અમદાવાદના ઈસનપુરના રહેવાસી અને 30થી વધુ ગુનાનો ઈતિહાસ ધરાવતો હિસ્ટ્રીશીટર કલીમ નામના રીઢા ગુનેગારને પોલીસ દ્વારા સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 4 જેટલા ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીની ધરપકડ બાદ તેને સત્તાવાર પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો, જ્યાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) ક્રાઈમ અને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ઘાસુરા દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી. પૂછપરછ દરમિયાન આરોપી અચાનક અત્યંત હિંસક બની ગયો હતો અને પૂછપરછ કરી રહેલા અધિકારીઓ પર શારીરિક હુમલો કર્યો હતો. આરોપીએ પોતાની પાસે સંતાડી રાખેલું ચપ્પુ (છરો) કાઢીને JCP પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે અધિકારીને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઝપાઝપી દરમિયાન, પોતાના જીવ પરના તાત્કાલિક ખતરાને પહોંચી વળવા અને સ્વબચાવના (સેલ્ફ-ડિફેન્સ) કાયદેસરના અધિકારના ભાગરૂપે, JCP એ તેમની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી કલીમના પગમાં ગોળી વાગી હતી. આ સમગ્ર ઘટના બાદ ઈજાગ્રસ્ત પોલીસ અધિકારી અને આરોપી બંનેને તાત્કાલિક તબીબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.