
ગુજરાત પર ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિએ જોર પકડ્યું છે. રાજ્યના હવામાન વિભાગે અગાઉથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી હતી અને હાલમાં વાતાવરણમાં એકસાથે ત્રણ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 થી 5 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 50થી 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે. સ્થિતિને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે તંત્ર તેમજ નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપી છે.
3 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. 4 જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી છે. જ્યારે 5 જૂને અમરેલી, ભાવનગર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ અને પડકારજનક માનવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.
આજે નોંધાયેલા મહત્તમ તાપમાન મુજબ ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 40.7 ડિગ્રી, અમરેલીમાં 38.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી અને અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે 1 જૂનની રાતથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આજે સવારે પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.