NEET પેપર લીક અને OSM ગોટાળા બાદ ચેરમેન-સચિવની તાત્કાલિક હકાલપટ્ટી, મોદી સરકારનો કડક પ્રહાર

CBSEમાં મહાભૂકંપ! NEET પેપર લીક અને OSM ગોટાળા બાદ ચેરમેન-સચિવની તાત્કાલિક હકાલપટ્ટી, મોદી સરકારનો કડક પ્રહાર

NEET પેપર લીક વિવાદ અને CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમમાં સામે આવેલા ગંભીર ગોટાળાઓ બાદ કેન્દ્ર સરકારે મોટું પ્રશાસનિક પગલું ભર્યું છે. વિદ્યાર્થીઓમાં ફેલાયેલા ભારે રોષ અને સતત ઉઠતા પ્રશ્નો વચ્ચે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

સરકારે લોખંડે પ્રશાંત સીતારામને CBSEના નવા ચેરમેન અને વરુણ ભારદ્વાજને નવા સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. OSM સેવાઓની ખરીદી પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓ અને નવી મૂલ્યાંકન વ્યવસ્થામાં ઉભી થયેલી ટેકનિકલ ખામીઓની ફરિયાદો બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

CBSE દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની જવાબદારી એસ. રાધા ચૌહાણને સોંપવામાં આવી છે, જે ટૂંક સમયમાં પોતાની તપાસ રિપોર્ટ રજૂ કરશે.

આ દરમિયાન CBSEએ વિદ્યાર્થીઓ માટે રી-ઇવેલ્યુએશન અને સ્કેન કરેલી ઉત્તરવહીઓમાં રહેલી ખામીઓની ચકાસણી માટે ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ 2 જૂનથી 6 જૂન, 2026 સુધી ખુલ્લું રહેશે. માત્ર તે જ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે જેમણે પોતાની સ્કેન કરેલી ઉત્તરવહીઓ મેળવી લીધી છે.

વિદ્યાર્થીઓએ આધાર નંબર દ્વારા CBSEની સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરીને અરજી કરવી પડશે. ફી ચુકવણી સહિત સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેશે. CBSEના જણાવ્યા અનુસાર પોર્ટલ શરૂ થતાં જ બે મિનિટમાં 15 લાખથી વધુ હિટ્સ મળી હતી અને તેને હેક કરવાનો પણ પ્રયાસ થયો હતો.

બોર્ડે વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે ‘ફ્રીઝ એન્ડ પ્રોસીડ ટુ પેમેન્ટ’ બટન દબાવ્યા બાદ અરજીમાં કોઈ ફેરફાર શક્ય નહીં બને. એક વિદ્યાર્થી એક અથવા અનેક વિષયો માટે માત્ર એક જ અરજી કરી શકશે.

CBSEના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી પ્રશાસનિક કાર્યવાહી માનવામાં આવી રહી છે, જેને શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટેનો કડક સંદેશ માનવામાં આવે છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *