Gujarat Weather Alert : ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ , અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ પલટો
Gujarat Weather Alert : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ અને પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. સોમવારે (પહેલી જૂન) દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાંજે અને રાત્રિના સમયે આવેલા વાવાઝોડાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ અનેક સ્થળોએ ભારે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Gujarat Weather Alert : જિલ્લાવાર નુકસાની અને વરસાદની સ્થિતિ
મહીસાગર જિલ્લાના લુણાવાડા અને કડાણા પંથકમાં રાત્રિના સમયે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. એક માર્ગ પર વૃક્ષ પડવાના કારણે બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
Gujarat Weather Alert : અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધનસુરા-મોડાસા હાઇવે પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં હાઈવે બ્લોક થઈ ગયો હતો, જેને પોલીસે ભારે જહેમત બાદ હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે માલપુરની બગીચા સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
Gujarat Weather Alert : સાબરકાંઠા અને છોટા ઉદેપુરમાં તેજ પવન સાથે અંધારપટ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોરદાર પવનના કારણે લાઈનોને નુકસાન થતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
Gujarat Weather Alert : છોટા ઉદેપુર અને જેતપુર પાવી તાલુકામાં ભારે પવન ફૂંકાતા અફરાતફરી મચી હતી. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અહીં પણ વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે.
Gujarat Weather Alert : ગોધરામાં નિર્માણાધીન પુલનો ડાયવર્ઝન રોડ ધોવાયો
ગોધરામાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે આનંદનગર વિસ્તારમાં નિર્માણાધીન પુલ નજીક રસ્તાનું મોટાપાયે ધોવાણ થયું છે. આનંદનગરથી કનેલાવને જોડતા કોઝવેની કામગીરી ચાલતી હોવાથી વાહનવ્યવહાર માટે બનાવાયેલું કામચલાઉ માટીનું ડાયવર્ઝન પાણીમાં વહી ગયું છે.
Gujarat Weather Alert : ખેડામાં વંટોળ સાથે જોરદાર વરસાદ
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ડાકોર, ઠાસરા અને માતર પંથકમાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું. માતરમાં તીવ્ર વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી અને વીજળી ગુલ થઈ ગઈ હતી. ખંભાત પંથકમાં પણ ગત રાત્રે એકાએક વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો.
Gujarat Weather Alert : અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ પલટો
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વાતાવરણ વણસ્યું હતું. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના કાનપુર અને વાસણા ચૌધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડ્યો છે.
વડોદરા શહેરમાં પણ મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો.
આ ઉપરાંત દાહોદના સંજેલી તાલુકામાં પણ વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ નોંધાયો છે. એકતરફ આ વરસાદથી લોકોને અસહ્ય બફારાથી મુક્તિ મળી છે, તો બીજી તરફ પ્રિ-મોન્સૂનની નબળી કામગીરી અને વીજ કંપનીઓની પોલ પણ આ મિની વાવાઝોડાએ ખોલી નાખી છે.
