અમદાવાદમાં આગામી 7 દિવસ ‘ઓરેન્જ અને યલો એલર્ટ’, પારો 45°C ને પાર જવાની શક્યતા

અમદાવાદમાં આગામી 7 દિવસ ‘ઓરેન્જ અને યલો એલર્ટ’, પારો 45°C ને પાર જવાની શક્યતા

અમદાવાદ શહેરમાં ઉનાળાએ હવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી સાત દિવસ માટે ગરમી અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. શહેરમાં આગામી દિવસોમાં ‘ઓરેન્જ’ અને ‘યલો’ એલર્ટ લાગુ રહેશે, જેના કારણે નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

હાલના અનુમાન મુજબ આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદના દિવસોમાં પણ પારો 42 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેવાની સંભાવના છે.

ગરમીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ ‘સેટિલયો લેબ્સ’ સાથે મળીને સેટેલાઈટ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. આ ટેકનોલોજીની મદદથી શહેરના એવા વિસ્તારોની ઓળખ કરવામાં આવશે જ્યાં સૌથી વધુ ગરમી અનુભવાશે. નાગરિકો amc.satleolabs.com/view લિંક અથવા QR કોડ દ્વારા પોતાના વિસ્તારનું લાઈવ તાપમાન જાણી શકશે.

AMC અને આરોગ્ય વિભાગે નાગરિકોને ગરમીથી બચવા માટે ખાસ સૂચનાઓ પણ આપી છે. લોકોને વધુમાં વધુ પાણી, લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા તડકામાં બહાર ન નીકળવા જણાવાયું છે. આછા રંગના ઢીલા સુતરાઉ કપડાં પહેરવા તેમજ છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

ખોરાક બાબતે તાજા ફળો અને શાકભાજી ખાવા તથા વાસી, તીખા અને વધુ પ્રોટીનવાળા ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

લૂ લાગવાના લક્ષણોમાં વધુ પરસેવો થવો, અશક્તિ અનુભવવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, ચામડી લાલ અને ગરમ થઈ જવી, ઉબકા-ઉલટી થવી તેમજ સ્નાયુઓમાં દુખાવો થવો જેવા લક્ષણો સામેલ છે. આવા લક્ષણો જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી અથવા ઇમરજન્સીમાં 108 પર સંપર્ક કરવા જણાવાયું છે.

વધુ વમાચારો માટે અહી કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *