ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલો, ભારતનો કડક વિરોધ

ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલો, ભારતનો કડક વિરોધ

‘હાજી અલી’ કાર્ગો જહાજ પર ડ્રોન-મિસાઈલ હુમલાની આશંકા, તમામ ભારતીય ક્રૂ સુરક્ષિત

ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ પર થયેલા હુમલાને લઈને ભારત સરકારે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય (MEA)એ ગુરુવારે સત્તાવાર નિવેદન બહાર પાડી કહ્યું હતું કે વાણિજ્યિક જહાજો અને નિર્દોષ નાગરિક નાવિકોને નિશાન બનાવવાના બનાવો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આવા હુમલાઓને સહન કરી શકાય નહીં.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 13 મેના રોજ ઓમાનના પાણી વિસ્તારમાં ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો થયો હતો. હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી. જોકે, ઓમાન કોસ્ટ ગાર્ડે સમયસર બચાવ કામગીરી હાથ ધરી તમામ 14 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભારત સરકારે ઓમાની સત્તાવાળાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

આ હુમલાની ઘટના ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહેવાલો મુજબ, ગુજરાતના દ્વારકાના રહેવાસી સુલતાન અહેમદ અંસારની માલિકીનું MSV “હાજી અલી” જહાજ બર્બેરા બંદરથી શારજાહ જઈ રહ્યું હતું ત્યારે ઓમાનના દરિયાકાંઠે તેના પર ડ્રોન અથવા મિસાઈલ જેવા હથિયારથી હુમલો થયો હોવાની આશંકા છે.

માહિતી અનુસાર, સવારે લગભગ 3:30 વાગ્યે જહાજમાં વિસ્ફોટ જેવી ઘટના બની હતી, જેના બાદ આગ ફાટી નીકળી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા જહાજ પર સવાર તમામ 14 ક્રૂ સભ્યોએ લાઈફ બોટ દ્વારા જહાજ છોડ્યું હતું. ત્યારબાદ ઓમાનના અધિકારીઓએ તેમને સુરક્ષિત રીતે બચાવી લીધા.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ભારત સમુદ્રી માર્ગોમાં સુરક્ષા, નેવિગેશનની સ્વતંત્રતા અને વૈશ્વિક વેપારની સતત કામગીરી માટે પ્રતિબદ્ધ છે. સાથે જ નિર્દોષ નાગરિકોને જોખમમાં મૂકતા આવા હુમલાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.

વધુ વમાચારો માટે અહી કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *