નિસર્ગ સાયન્સ સેન્ટરનો એક વધુ સિતારો ઝળક્યો: રોબોફેસ્ટ 5.0 ની ગ્રાન્ડ ફિનાલેમાં હેતરાજ વાઘેલા દ્વિતીય ક્રમે વિજેતા

નિસર્ગ સાયન્સ સેન્ટરનો એક વધુ સિતારો ઝળક્યો: રોબોફેસ્ટ 5.0 ની ગ્રાન્ડ ફિનાલેમાં હેતરાજ વાઘેલા દ્વિતીય ક્રમે વિજેતા

ગાંધીનગર: નિસર્ગ સાયન્સ સેન્ટર માટે ગૌરવની ક્ષણ તરીકે, સાયન્સ ક્લબના વિદ્યાર્થી હેતરાજ વાઘેલાએ રોબોફેસ્ટ 5.0 ની ગ્રાન્ડ ફિનાલેમાં દ્વિતીય સ્થાન મેળવી ત્રણ લાખ રૂપિયાનું ઇનામ મેળવ્યું છે।

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ROBOFEST નું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં જુનિયર, સિનિયર અને હાયર એમ ત્રણ કેટેગરીમાં વિદ્યાર્થીઓ પોતાના બનાવેલા રોબોટનું પ્રદર્શન કરે છે. આ વર્ષે યોજાયેલ ROBOFEST 5.0 ની ફાઈનલમાં નિસર્ગ સાયન્સ સેન્ટર, ગાંધીનગર હેઠળ ચાલતી સાયન્સ ક્લબના વિદ્યાર્થી હેતરાજ વાઘેલાએ ઍથલેટિક્સ કેટેગરીમાં ઉત્તમ પ્રદર્શન કરી ગ્રાન્ડ ફિનાલેમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.

વિજેતા હેતરાજ વાઘેલા અને તેમની ટીમને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ સલાહકાર શ્રી નરોત્તમ શાહુના હસ્તે રૂપિયા 3 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો।

આજનો યુગ સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે, જેમાં રોબોટિક્સનું મહત્વ સતત વધી રહ્યું છે. ઉદ્યોગ, સંશોધન, ઓટોમોબાઇલ, પેકિંગ, કૃષિ અને ડિફેન્સ જેવા અનેક ક્ષેત્રોમાં રોબોટ્સનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ અને પ્રયોગાત્મક કૌશલ્ય વિકસે તે હેતુથી આવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

હેતરાજ વાઘેલા ધોરણ 5 થી જ સાયન્સ ક્લબ સાથે જોડાયેલા છે અને એરો મોડેલિંગ, મોડેલ રોકેટરી, ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી વિવિધ કાર્યશાળાઓમાં ભાગ લઈને મજબૂત વિજ્ઞાનિક પાયો તૈયાર કર્યો છે।

તેમની આ સિદ્ધિ બદલ નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડો. અનિલ પટેલ, કોર્ડિનેટર હાર્દિક મકવાણા, હાર્દિક ભટ્ટ, શિવાંગ પટેલ, નીલ રાણા વગેરે દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ખાસ કરીને રોબોટની ટેકનિકલ સમજ અને માર્ગદર્શન માટે જીનલ પટેલ (ભૂતપૂર્વ વિદ્યાર્થી)નો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.

આ પ્રસંગે એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો કે સફળતા મેળવવા માટે માત્ર ગુણ (માર્ક્સ) જ નહીં, પરંતુ કૌશલ્ય (સ્કિલ્સ) પણ એટલું જ મહત્વ ધરાવે છે. આવડત અને પ્રયોગાત્મક જ્ઞાન કારકિર્દી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વધુ સમાચારો માટે અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *