
ડીસા : બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ એ એક મોટી કાર્યવાહી નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 40 લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ, એલસીબીને મહાદેવીયા ગામે ડુપ્લીકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે, ગત (3 સપ્ટેમ્બર) મોડીરાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને ત્યાંથી ₹40 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીને ઝડપી પાડ્યા છે, જેમણે પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું છે. હાલમાં જપ્ત કરાયેલી નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે. એલસીબીની આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

આ મામલે વધુ વિગતો આપતાં જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી આપવામાં આવશે. પોલીસે આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.