મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં 2 જૂથ વચ્ચે હિંસક ઝડપ થતા 5 લોકો લોહીલુહાણ

કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં શેઢા પરના બાવળ કાપવા મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા મામલો હિંસક બન્યો હતો. કુહાડી અને ધારિયાથી એકબીજા પર હુમલો કરાતા પાંચ લોકો લોહીલુહાણ થયા હતા. મારામારીનો હચમચાવી નાખતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના લોઠામોરા વાડી વિસ્તારમાં બે પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. બે વાડી વચ્ચેના શેઢા પર બાવળ કાપવાના મુદ્દે વિવાદ થયો હતો. જે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી બન્ને પરિવારો વચ્ચે કુહાડી-ધારિયા વડે જોરદાર મારામારી થઈ હતી.

વાલબાઈ પતરામલ રામાણીએ રાજા વાંછિયા સાંખરા અને કાનજી વાંછિયા સાંખરા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ તેમના પર ધારિયા વડે હુમલો કર્યો હતો. જ્યારે સામા પક્ષે, કાનજી વાંછિયા સાંખરાએ કાનજી પતરામલ રામાણી, માણશી પતરામલ રામાણી, થારૂ પતરામલ રામાણી અને પતરામલ સવરાજ રામાણી સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કાનજીએ કુહાડી વડે હુમલો કરી ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડી હતી. વધુમાં, માણશી દ્વારા ધારિયા વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં વચ્ચે પડેલા ફરિયાદીના માતા કમશ્રીબેનને ટાંકા લેવા પડે તેવી ઈજા થઈ હતી.