અબડાસાની વાયોર પ્રાથમિક શાળાના આચાર્ય ખંડમાં ભારેખમ છતના પોપડા ખરી પડ્યા, રજા હોવાથી જાનહાનિ ટળી

અબડાસાની વાયોર પ્રાથમિક શાળાના આચાર્ય ખંડમાં ભારેખમ છતના પોપડા ખરી પડ્યા, રજા હોવાથી જાનહાનિ ટળી

છતના પોપડા ખરી પડ્યા
છતના પોપડા ખરી પડ્યા

છતના પોપડા ખરી પડ્યા : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વાયોર ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક મોટી દુર્ઘટના ટળી છે. શાળાના આચાર્ય ખંડમાં છત ઉપરથી ભારેખમ પોપડા ખરી પડ્યા છે. સદભાગ્યે આ ઘટના રજાના દિવસે બની હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

શાળાના આચાર્ય દિનેશ ગામીતે જણાવ્યું કે ગત શુક્રવાર, શનિવાર અને રવિવારે શાળામાં જાહેર રજા હતી. રવિવારે સાંજે તેઓ વહીવટી કામ માટે શાળામાં ગયા ત્યારે આચાર્ય ખંડમાં છતના પોપડા જમીન પર પડેલા જોવા મળ્યા હતા. આ ઘટનામાં કચેરીમાં રહેલા કોમ્પ્યુટર, છતમાં લાગેલા પંખા અને ટેબલને નુકસાન પહોંચ્યું છે.

છતના પોપડા ખરી પડ્યા
છતના પોપડા ખરી પડ્યા

આશ્ચર્યની વાત એ છે કે પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીઆરપી ટીમે 29 તારીખે સંકુલની ચકાસણી કરી હતી. તે સમયે “સબ સલામત”નો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. દીવાલોમાં કોઈ પણ સ્થળે તિરાડ જોવા મળી ન હતી. આ અચાનક બનેલી ઘટનાથી આચાર્ય પણ આશ્ચર્યમાં મુકાયા છે.

આ ઘટના અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીને જાણ કરવામાં આવી છે. ઉચ્ચ કચેરી તરફથી તપાસ કરી નિવારણ માટેની ખાતરી આપવામાં આવી છે. હાલ આ શાળામાં બાલ વાટીકાથી લઈને ધોરણ 8 સુધીમાં 295 બાળકો અભ્યાસ કરે છે

કચ્છ જિલ્લામાં એક તરફ શિક્ષકોની ઘટ ચર્ચાનો વિષય બની છે, તો બીજી તરફ શાળાઓની સ્થિતિને લઈને પણ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લામાં જાહેર સમસ્યાઓ મામલે લડત કરતા લખન ધુઆએ અગાઉ અબડાસા તાલુકામાં શિક્ષણના સંકુલો અને સ્તર સુધારવા અંગે તંત્રમાં અનેક રજૂઆતો કરી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *