WIIL REALEASE FILM FROM KOTAY KUTCH : આમિર ખાન કચ્છના નાના એવા કોટાયની શાળામાંથી ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરશે

WIIL REALEASE FILM FROM KOTAY KUTCH : આમિર ખાને તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને તરત જ યુટ્યૂબ મૂવીઝ-ઓન-ડિમાન્ડ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે આમિર ખાન કચ્છ પહોંચ્યા છે. ભુજ એરપોર્ટ આગમન થયા બાદ આમિર સીધા જ માધાપર ગામ પહોંચ્યા હતા અને બે દાયકા જૂના મિત્ર ધનાભાઈ ચાડ સાથે મુલાકાત કરી હતી.
થોડીવારમાં જ તેઓ ધનાભાઈ ચાડ અને તેમના પરિવારજનો સાથે કોટાય ગામ પહોંચશે.કચ્છ અને આમિર ખાનને જૂનો સંબંધ છે. લગાન ફિલ્મનું કચ્છમાં શૂટિંગ કર્યા બાદ આમિર ખાન કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે.

બે વર્ષ પહેલા આમિર ખાન કચ્છના આ જ કોટાય ગામમાં આવ્યા હતા. લગાન ફિલ્મના શુટિંગ સમયે મહત્વના્ સહયોગી રહેલા ધનાભાઈ ચાડના પુત્ર અને યુવા ઉદ્યોગપતિ મહાવીર ચાડનું આકસ્મિક અવસાન થયું હતું. જેથી તેમના પરિવારને દુઃખમાં સાંત્વના આપવા માટે જે તે સમયે તેઓ ખાસ મુંબઈથી કચ્છ આવ્યાં હતા. હવે બે વર્ષ બાદ આજે ફરી કોટાય ગામ પહોંચ્યા છે.
આમિર ખાન આજે ભુજથી 35 કિમી દૂર કોટાય ગામની શાળામાં બપોરે 4 વાગ્યે ‘સિતારે જમીન પર’ફિલ્મને યુ ટ્યુબ પર રિલીઝ કરશે.આ ફિલ્મ થિયેટરમાં બ્લોકબસ્ટર સફળતા મેળવ્યા બાદ હવે યુટ્યૂબના મૂવી-ઓન-ડિમાન્ડ સેક્શનમાં રજૂ થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર નહીં, પરંતુ માત્ર યુટ્યૂબ પર જ ઉપલબ્ધ થશે.

આમિર ખાને આજે જાહેરાત કરી કે, ‘સિતારે ઝમીન પર 1 ઓગસ્ટ 2025થી વિશ્વભરમાં યુટ્યૂબ પર રિલીઝ થશે.’આ ફિલ્મ ભારતમાં 100 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે તે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર અને સ્પેન સહિત 38 દેશોમાં સ્થાનિક કિંમતે ઉપલબ્ધ થશે.
લગાન ફિલ્મનું શૂટિંગ પૂરું થયાના બીજા વર્ષે 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. એ સમયે આમિર ખાન અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આટલું જ નહીં, જે પણ સ્થાનિક વ્યક્તિએ લગાન ફિલ્મમાં કામ કર્યું હતું અને ભૂકંપના કારણે તેમને નુકસાન થયું હોય એવા લોકોને તેમણે આર્થિક મદદ પણ કરી હતી.