BULL CATCHING OPERATION BY GRAMPANCHAYAT : નખત્રાણાના મોટી વિરાણી ગામની ગ્રામ પંચાયતે રખડતા આખલાઓને પકડવાની કામગીરી શરૂ કરી, નગરપાલિકાઓ હજુ નિષ્ક્રિય.

BULL CATCHING OPERATION BY GRAMPANCHAYAT : નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ગામમાં લાંબા સમયથી રખડતા આખલાઓની સમસ્યાનો અંત લાવવા ગ્રામ પંચાયતે પહેલ કરી છે. ગામમાં આખલાઓના કારણે શેરીઓ અને હાઇવે પર નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા. તાજેતરમાં નાની વિરાણી ગામના એક આધેડનું આખલાની હડફેટે મૃત્યુ થયું હતું.

ગ્રામીણોની વારંવારની રજૂઆતો બાદ ગ્રામ પંચાયતે આખલા પકડવાની કામગીરી શરૂ કરી છે. ટ્રેક્ટર અને યુવાનોની મદદથી શેરીએ શેરીએ આખલા પકડવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મોટી વિરાણી ગામમાં આખલાઓના ત્રાસથી લોકો કંટાળી ગયા હતા. જાહેર માર્ગો પર આખલાઓના યુદ્ધ થતાં વાહનચાલકો અને રાહદારીઓ ભયભીત થતા હતા.
મોટી વિરાણી જૂથ ગ્રામ પંચાયતને રજૂઆત કરતાં રખડતાં ઢોરને પકડીને ગૌશાળા મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઈ બડીયા, ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ બડીયા, રામજીભાઈ મીઠું ગોરડિયા, શંકરભાઈ પરગડુ અને અન્ય લોકોએ જહેમત ઉઠાવી છે.
બીજી તરફ, નખત્રાણામાં પણ અનેક આખલાઓની સમસ્યા છે. પરંતુ નગરપાલિકા પાસે વાહનો કે કામદારો ન હોવાનું કહેવાય છે. નખત્રાણા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં અને આખલા પકડવાની ટેન્ડર પ્રક્રિયા જાહેર કરી હોવા છતાં હજુ સુધી આખલા પકડવાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી.
નખત્રાણામાં લોકોમાં એવી ફરિયાદ ઉઠી છે કે જો એક સામાન્ય ગ્રામ પંચાયત આવું કામ કરી શકે છે, તો નગરપાલિકા કેમ નથી કરી શકતી? વિરાણી મોટી ગામની આ પહેલ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહી છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો