બેટી પઢાઓ બેટી વધાવો ની વાત વચ્ચે કોઠારામાં આવેલી પંચાયત કન્યા પ્રાથમિક શાળામાં 262 વિદ્યાર્થિની વચ્ચે 1 જ શિક્ષક

અબડાસા તાલુકાના કોઠારામાં આવેલી પંચાયત કન્યા પ્રાથમિક શાળામાં 262 વિદ્યાર્થિની વચ્ચે એક જ શિક્ષક હોતાં બાળકોના શિક્ષણ પર અવળી અસર પડે છે તેમ જણાવતાં વાલીઓએ તાત્કાલિક મહેકમ મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી હતી.

વાલીઓએ આ બાબતે તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, શિક્ષકોની ઘટ હોતાં વાલીઓ સ્વખર્ચે ચાર શિક્ષકોની સેવા લઇ રહ્યા છે. વાલી મંડળના ભદ્રેશ ગોર, શિવુભા ધલ, વિવેક રાવલ, હનીફ કુંભાર સહિતના વાલીઓએ શિક્ષકોની ઘટ તાત્કાલિક દૂર કરાય તેવી માગણી કરી હતી.
કન્યા શાળાના મુખ્ય શિક્ષક મયુર ગોરે જણાવ્યું હતું કે, બાલ વાટિકાથી ધોરણ 8 આઠ સુધીના વર્ગો છે જેના માટે 10 શિક્ષકનું મહેકમ છે પણ હાલે તેઓ એકમાત્ર ફરજરત છે. ચાર શિક્ષિકા સેવા આપે છે તેમનો પગાર વાલીઓ દ્વારા ચૂકવાય છે.
ગામના સરપંચ પ્રેમિલાબેને જણાવ્યું હતું કે, આ બાબતે વારંવાર શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં અવી છે. શાળા પ્રવેશોત્સવ વખતે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો ત્યારે અધિકારીઓ શિક્ષકોની ઘટ પૂરી આપવામાં આવશે તેવી ખાતરી અપાઇ હતી પણ હજુ સુધી એ દિશામાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
તાલુકા શિક્ષણાધિકારી હુશેનભાઈનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, બે શિક્ષકો રાજીનામું આપી ગયા છે અને ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા એક દિવસ જ હાજર થયા હતા. એક શિક્ષિકા કપાત પગારે રજા પર છે તેમને નોટિસ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, અબડાસા તાલુકાની 40 શાળા એવી છે જે માત્ર એક શિક્ષક પર જ ચાલે છે. એક બાજુ સરકાર બેટી પઢાઓ બેટી વધાવો ની વાત કરે છે બીજી બાજુ અબડાસની અનેક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ વર્તાઇ રહી છે ત્યારે આવી સ્થિતિમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરી શકે તેવો વેધક સવાલ વાલીઓ કરી રહ્યા છે.