કચ્છ માં નવી ફોલ્ટ લાઈન સક્રિય થતા ફરી મોટો ભૂકંપની શક્યતાઓ વધી, છેલ્લા ૫ વર્ષમાં 18 જેટલા કંપન.

આ અંગે કચ્છ યુનિવર્સીટીના જિયોલોજી વિભાગના આસીસન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે આ ફોલ્ટ લાઈન અત્યાર સુધી સક્રિય ન હતી. પણ રવિવારે ખાવડા અંધૌ ગોરા ડુંગર ફોલ્ટ લાઈન આવેલા કંપને એ સાર્થક કર્યું છે કે આ ફોલ્ટ હવે સક્રિય બની છે.
આ ફોલ્ટલાઇન પર પેલિયો સીસ્મિક ફીચર્સ દેખાય છે.પેલિયો સીસ્મિક ફીચર્સ એટલે કે ભૂકંપ જેવા ફીચર્સ, પણ હજુ સુધી કોઈ ભૂકંપ નોંધાયો નથી. જેથી આ ફોલ્ટલાઇન સક્રિય થઇ છે તે એક આશ્ચર્યની સાથે મોટું એલર્ટ છે. આ ફોલ્ટલાઇનમાં આગામી સમયમાં મોટા ભૂકંપ સર્જી શકે છે.

ઉપરાંત વાગડ ફોલ્ટલાઈનના લીધે ભચાઉ વિસ્તારમાં સામાન્ય કંપન અનુભવાય છે. પરંતુ હવે ગોરા ડુંગર ફોલ્ટ લાઈન સક્રિય થઇ છે જે ચિંતાનો વિષય છે. કુલ 13 ફોલ્ટલાઇન આવેલી છે. એટલે કહી શકીયે કે જિલ્લામાં ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે. જો કે તજજ્ઞો સ્પષ્ટ કહે છે કે ભૂકંપની કદી આગાહી શક્ય નથી. આવે તો તરત આવે અન્યથા વર્ષો નીકળી જાય.
સફેદ રણના કારણે પ્રવાસનને નવી દિશા મળી છે. અને રણોત્સવ સમયે લાખો પ્રવાસીઓ સફેદ રણ અને ધોળાવીરાના પ્રવાસ માટે આવી રહ્યા છે. ત્યારે ત્યાં ઉભું થઇ રહેલું ઇન્ફ્રાસ્ક્રચર ભૂકંપપ્રુફ હોવું ખાસ જરૂરી છે. કેમ કે એક તો આ નવી સક્રિય થયેલી ગોરા ડુંગર ફોલ્ટલાઈનની સાથે કચ્છ મેનલેન્ડ અને સાઉથ વાગડ, અલ્લાહબંધ એની નગરપારક જેવી ફોલ્ટલાઇન આવેલી છે.
જો આ ફોલ્ટલાઇનમાં ક્યારે પણ મોટો ભૂકંપ આવશે ત્યારે સરહદે નિર્માણ પામી રહેલા ઇન્ફ્રસ્ક્ચરને મોટું નુકશાન કરી શકે તેમ છે.
વધી રહેલા ભૂકંપના ખતરા વચ્ચે હવે સુનામીનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. કેમ કે કચ્છની કચ્છ મેનલેન્ડ, અલ્લાહબંધ અને નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ લાઈન દરિયા સુધી પથરાયેલી છે. જેથી જો મોટો ભૂકંપ આવે અને તેનું કેન્દ્ર બિંદુ દરિયામાં નોંધાય તો કચ્છમાં સુનામીનો ખતરો પણ છે.
વર્ષ 1945માં પાકિસ્તાનની ચમન પર્વતમાળામાં કેન્દ્રબિંદુ ધરાવતા ભૂકંપના કારણે સુનામી આવી હતી. અને તેનું પાણી ધોળાવીરા સુધી પહોંચ્યું હોવાનું પ્રો ચૌહાણ કહે છે.
વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં સતત કંપન આવી રહ્યા છે. છેલ્લા ૫ વર્ષની વાત કરવામાં આવે તો સિસ્મોલોજી વિભાગના ડેટા પ્રમાણે 18 જેટલા કંપન 4 થી વધુ તીવ્રતાના કંપન અનુભવાઈ ચુક્યા છે. ગત 22/04/2025 માં રોજ દુધઈ નજીક 4.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો.