
દેશમાં કોરોના સંક્રમણથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં, 89,019 નવા દર્દી મળ્યા છે. એની તુલનામાં ફક્ત 44,176 દર્દી સાજા થયા છે, જ્યારે આ મહામારીને કારણે 713 લોકો મૃત્યુ પામ્યા છે. એક્ટિવ કેસ, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 44,123નો વધારો થયો છે. એક જ દિવસમાં સંક્રમિત થયેલા લોકોની સંખ્યા પ્રથમ પીકથી ફક્ત 9,000 દૂર છે. આ પહેલાં 16 સપ્ટેમ્બરે સૌથી વધુ 97,860 દર્દી મળ્યા હતા, ત્યાર બાદ આ આંકડો ઘટવા લાગ્યો હતો.
દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.24 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.15 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.64 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 6.55 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.