
સંઘ ભારતીય સંસ્કૃતિનું વટવૃક્ષ : નરેન્દ્ર મોદી
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુર ખાતે સંઘ મુખ્યાલયની મુલાકાતે પહોંચ્યા હતા અહીં તેમણે 34 મિનિટના પોતાના સંબોધનમાં ઈતિહાસ, ભક્તિ આંદોલન, સંતોની ભૂમિકા, સંઘની નિ:સ્વાર્થ કાર્ય પદ્ધતિ, દેશનો વિકાસ, યુવાઓમાં ધર્મ સંસ્કૃતિ, સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર, શિક્ષણ, ભાષા અને મહાકુંભ વિશે વાત કરી હતી.
વડાપ્રધાન બન્યા બાદ સંઘના મુખ્યમથકની પ્રથમ મુલાકાતમાં તેમણે સંઘના વખાણ કરતાં કહ્યં કે રાષ્ટ્રીય ચેતના માટે જે વિચાર 100 વર્ષ પહેલા સંઘ રુપે વાવવામાં આવ્યો હતો તે આજે અમર સંસ્કૃતિના વટવૃક્ષ તરીકે દુનિયા સામે છે. તે આજે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાને સતત ઉર્જાવાન બનાવી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે, સ્વયંસેવક માટે સેવા જ જીવન છે. હું નહીં આપણે મુજબ રાષ્ટ્ર હિત તેના માટે સૌથી આગળ છે. સ્વયં સેવક હંમેશા પોતાનું કર્તવ્ય નિભાવે છે. કામ નાનું હોય કે મોટું, કાર્યક્ષેત્ર નગર હોય કે વન, પહાડી ક્ષેત્ર તે નિ:સ્વાર્થ ભાવે સેવામાં સમર્પિત રહે છે. અમે દેવથી દેશ, રામથી રાષ્ટ્રનો મંત્ર લઈને ચાલી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે દેશનો યુવા આજે આત્મવિશ્વાસથી ભરાયેલો છે અને ધર્મ સાથે જોડાયો છે. મોદી સંઘના નાગપુર ખાતેના મુખ્યાલય કેશવ કુંજની મુલાકાતે પહોંચ્યા અને સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી અહીં રહ્યા હતા. તેમણે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે સંઘના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને અન્ય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર (ગુરુજી) ના સ્મારક સ્મૃતિ મંદિર પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમણે અહીં માધવ નેત્રાલયના નવા પરિસરનું ખાતમુહૂર્ત કર્યુ હતું. કેશવ કુંજ અને દીક્ષા ભૂમિ ખાતે તેમણે બે સંદેશા લખ્યા હતા. છેલ્લે તેઓ વર્ષ ર01રમાં પૂર્વ આરએસએસ વડા કેએસ સુદર્શનના નિધન પર સંઘ મુખ્યાલય આવ્યા હતા ત્યાર બાદ 2014ની લોકસભા ચૂંટણી માટેની એક બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. વડાપ્રધાન મોદીની નાગપુર ખાતે સંઘ મુખ્યાલયની યાત્રા બાદ આરએસએસ તરફથી નિવેદન આવ્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે તેને કોઈ મતભેદ નથી, વડાપ્રધાન મોદી સંઘની વિચારધારાને આગળ વધારશે. સંઘ નેતા શેષાદ્રિ ચારીએ કહયું કે લોકો હંમેશા સંઘ અને ભાજપના સંબંધો અંગે વાત કરતા રહે છે. અગાઉ પણ વાત કરતાં હતા. ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ મતભેદ નથી. સંઘે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાતને મહત્વપુર્ણ તથા ઐતિહાસિક ગણાવી હતી.