
અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે વહેલી સવારે આગ લાગતાં 22 ડિટેઈન અને 11 પાર્ક કરેલાં વ્હીકલ ભડભડ સળગી ગયાં; વાહન માલિકના નુકસાનનું શું..?
અમદાવાદ શહેરના રિંગરોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગઈ હતી. જેમાં 22 ડિટેઇન કરેલાં વાહનો હતાં અને 11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં.
ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ડિટેઇન કરેલા વાહનો બળીને ખાક થઈ જતા હવે વાહન માલિકોને નુકસાનની ભરપાઈ કોણ કરશે તે સવાલ ઉઠી રહ્યો છે?. કારણ કે પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરવામાં આવ્યા બાદ તેની સંપૂર્ણ જવાબદારી પોલીસની બને છે.
ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રિંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલાં ટુ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગતાંની સાથે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવશે
ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, ઓઢવ બ્રિજની નીચે આઇ ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલાં ટુ-વ્હીલર અને ગાડીઓમાં આગ લાગી હતી. 22 જેટલાં ડિટેઈન કરેલાં ટુ-વ્હીલર અને બે ગાડીમાં આગ લાગી હતી. જ્યારે બાકીના 11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. સવારે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ શરૂ કરી છે.
આગમાં બળેલા તમામ વાહનો બિનવારસી
ટ્રાફિક DCP સફીન હસને જણાવ્યું હતું કે આગમાં બળેલા તમામ વાહનો બિનવારસી છે. આ તમામ વાહનો આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કચરાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
મોડી રાત્રે એક દુકાનમાં પણ આગની ઘટના બની હતી
શહેરના આનંદનગર વિસ્તારમાં કંચન ભૂમિ એપાર્ટમેન્ટની નીચે આવેલી એક દુકાનમાં પણ મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પ્રહલાદ નગર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ભંગારની દુકાન હતી અને તેમાં કોઈ કારણોસર આગ લાગી હતી. નીચે દુકાન હતી અને ઉપર રહેણાક વિસ્તાર હતો, જેથી લોકો પણ તાત્કાલિક દોડીને નીચે આવી ગયા હતા. આગની જ્વાળાઓ ઉપર સુધી પહોંચી ગઈ હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.