નરાધમે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરતા અરેરાટી વ્યાપી

આજકાલ રાજ્યમાં દુષ્કર્મની ઘટના વધતી જઈ રહી છે ત્યારે દુષ્કર્મનો વધુ એક કેસ નોંધાયો છે. દાદરા નગર હવેલીના એક ગામમાં સોસાયટીમાં રમતી એક બાળકી સાંજે ઘરે પરત નહિ ફરતા તેમના માતાપિતાએ બાળકીની તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકીને સોસાયટીમાં જ રહેતો અપરણિત શખ્સ લઈ ગયો હોવાની જાણ થતાં તેમની શોધખોળ હાથ ધરવા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક 40 ફ્લેટમાં ચકાસણી હાથ ધરતા એક ફ્લેટના ટોઈલેટની બારીનો કાંચ તૂટેલો દેખાતા એ ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં બિલ્ડીંગના ટોયલેટની પાઇપલાઇન પાસે શંકાસ્પદ થેલો દેખાતા તેને ઉતારી અંદર ચકાસણી કરતા ગુમ બાળકીના મૃતદેહના ટુકડા અંદરથી મળી આવ્યા હતા. પોલીસે રૂમની અંદર જોતા ઠેર-ઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું. જેથી કથિત આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસે 109 નંબરના ફ્લેટમાં રહેતા યુવકની કડકાઇથી પૂછપરછ કરતા તપાસમાં યુવકે બાળકીની હત્યા કર્યા બાદ મૃતદેહને થેલામાં ભરી સગેવગે કરવા પોતાના ફ્લેટના બાથરૂમની બારીમાંથી બાળકીના મૃતદેહને થેલામાં ભરી ડોકયાર્ડમાં ફેંકવાનો પ્રયાસ કરતો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ જોઈ લીધો હતો.

સોસાયટીના લોકોએ આક્ષેપો કર્યા હતા કે પકડાયેલ શખ્સે અગાઉ પણ અનેક વાર લોકો સાથે છેડતી કરવાથી મેથીપાક ખાઈ ચૂક્યો છે. તેણે જ બાળકીને રમતી વખતે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉંચકી લઇ જઇ પોતાના ફ્લેટમાં કથિત દુષ્કર્મ ગુજારતા મોત થઇ ગયા બાદ મૃતદેહના ટુકડા કરી ટોયલેટની બારીમાંથી ફેંકી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.

માસૂમ બાળકી સાથે હેવાનિયત જેવું કૃત્ય કરી તેની હત્યા કરી નાખતા પિતા સહિત સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાં આવેલા પિતાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં જ પિતાએ પણ દમ તોડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *