
બિહારના સુપૌલમાં દિલ્હીની બુરાડી જેવી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. એમાં પતિ-પત્ની સહિત 3 બાળકો સામેલ છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે.
આ ઘટના જિલ્લાના રાધોપુર પોલીસ સ્ટેશનના ગદ્દી ગામની છે. અહીં મોડી રાતે મિશ્રી લાલ સાહના ઘરમાંથી ખૂબ ખરાબ વાસ મારવા લાગી હતી, તેથી ગામના લોકોએ સરપંચને વાત કરી હતી. ત્યાર પછી સરપંચે રાત્રે 9 વાગે ગ્રામીણોની મદદથી મિશ્રી લાલના ઘરનો દરવાજો ખોલ્યો હતો. ત્યાંનું દૃશ્ય જોઈને સરપંચે પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે હજી ઓફિશિયલી આ ઘટના વિશે કશું જણાવ્યું નથી અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પરિવારમાં હાજર માતા-પિતાએ ત્રણ બાળકો સાથે શુક્રવારે મોડી રાતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી લીધી છે.
પોલીસે જણાવ્યું હતું કે રાધોપુર પોલીસ સ્ટેશનના ગદ્દી વોર્ડ-12માં રહેતાં પતિ-પત્ની, બે દીકરીઓ અને એક દીકરો ફાંસીના ફંદા સાથે લટકતાં મળ્યાં છે. મૃતક પરિવારમાં પિતાનું નામ મિશ્રીલાલ સાહ જણાવવામાં આવ્યું છે. આખા પરિવારને અડોશપડોશના લોકોએ ગયા શનિવારે જોયા હતા. ત્યાર પછી કોઈએ લોકોને ઘરની બહાર આવતાં-જતાં જોવા મળ્યાં નથી. શુક્રવારે મોડી સાંજે પડોશીઓને શંકા થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો આખો પરિવાર ફાંસીના ફંદા પર લટકતો જોવા મળ્યો હતો.