સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જન ઔષધિ દિવસ-૨૦૨૧ની ઉજવણી કરાઈ

જન ઔષધિ કેન્દ્ર સાચા અર્થમાં જનસેવાનું માધ્યમ બન્યા છે– સાંસદ શ્રી પૂનમબેન માડમ

જામનગર ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જનઔષધિ દિવસ-૨૦૨૧ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હીથી દેશના વિવિધ વિસ્તારના જનઔષધિ કેન્દ્રના સંચાલકો અને લાભાર્થીઓ સાથે પરિસંવાદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જન ઔષધિ દિવસની થીમ ‘સેવા ભી ઓર રોજગાર ભી’ અંતર્ગત પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ત્રણ વર્ષથી ચાલતી આ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં લોકોને જીવન જરૂરી દવાઓ ખૂબ ઓછી કિંમતે મળી રહી છે. મધ્યમ વર્ગને, ગરીબોને દવાઓ માટે ક્યારેય આર્થિક તકલીફો વેઠવી ન પડે તે માટે આ પરિયોજના હેઠળ હજુ પણ આગામી દિવસોમાં અનેક જન ઔષધિ કેન્દ્ર ખોલી જનસેવાનું કાર્ય કરવામાં આવશે. સાથે જ આ કેંદ્રો થકી અનેક નવી રોજગાર તકો ઉત્પન્ન થઇ છે.
જામનગર ખાતે પૂનમબેન માડમ દ્વારા નવા જનઔષધી કેન્દ્રને જનસેવા કેન્દ્ર તરીકે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે સાંસદશ્રીએ કહ્યું હતું કે, જે લોકોને રોજબરોજની દવાઓની આવશ્યકતા છે, તેમના આરોગ્યની દરકાર લઈ તેમને ઓછી કિંમતે દવાઓ મળી રહે અને આરોગ્યલક્ષી કોઈ સમાધાન આર્થિક તકલીફોના કારણે ન કરવું પડે તે ધ્યાને લઇ પ્રધાનમંત્રીશ્રીએ જન ઔષધી કેન્દ્રના નિર્માણ થકી ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને સાર્થક કર્યો છે.
પ્રધાનમંત્રીશ્રીએ પરિવારના વડીલની જેમ દીકરીઓની કાળજી લીધી છે. ફીમેલ હાઇજીન હોય કે ઘરે ઘરે શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય દરેક સમયે મહત્વના નિર્ણય લઇ તેમણે સ્ત્રી સ્વાસ્થ્યની ચિંતા કરી છે. પ્રધાનમંત્રીશ્રી સ્ત્રી સશક્તિકરણને વધુ મજબૂતીથી આગળ લઈ જઈ રહ્યા છે, ત્યારે આ અભિયાનમાં મહિલાઓને સશક્ત કરવા માટે પરિવારો પણ સંકલ્પ કરે અને વધુ જાગૃત થાય એવી અભ્યર્થના સાંસદશ્રીએ વ્યક્ત કરી હતી.
સાથે જ જેનેરિક મેડિસિન વિશે વધુ જાગૃતિ લાવી સાચા અર્થમાં જન ઔષધી કેન્દ્રને જન જન સાથે જોડવા માટેના પ્રયત્નો કરવા અને સ્વસ્થ જામનગર બનાવવા સાંસદશ્રીએ અપીલ કરી હતી.સમગ્ર કવરેજ માટે નાયબ માહિતી નિયામક આર.કે.જાની ના માર્ગદર્શન હેઠળ દિવ્યાબેન ત્રિવેદી અને ભગીરથસિંહ જાડેજા એ જહેમત ઉઠાવી હતી
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયરશ્રી પ્રતિભાબેન કનખરા, પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી સુરેશભાઈ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બથવાર, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખો વગેરે આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *