ગુજરાત સરકારનું વર્ષ 2021-2022 નું બજેટ

કલ્પસર વિભાગ માટે રૂ.૧૫૦૧ કરોડની જોગવાઈ

ભાડભૂત બેરેજ યોજના
• નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલ ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર રૂ. ૫૩૨૨ કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે. આગામી ચાર વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ બેરેજમાં પ૯૯ મિલીયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે જેના કારણે નર્મદા નદીમાં ૭૦ કિલોમીટર લંબાઈમાં ખારાશ અટકશે. આ વિશાળ મીઠા પાણીના સરોવરથી ભરૂચ જિલ્લાને વ્યાપક રીતે લાભ થશે. વધુમાં, ભાડભૂત બેરેજ ઉપર ૬ માર્ગીય બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા-સુરત વચ્ચેના અંતરમાં ૩૭ કિલોમીટરનો ઘટાડો થશે. બેરેજની આ કામગીરી માટે રૂ.૧૪૫૩ કરોડની જોગવાઇ.

સૂક્ષ્મ સિંચાઈ
• સૂક્ષ્મ સિંચાઇ યોજનાનું અમલીકરણ કરવા માટે મે-૨૦૦૫ થી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરેલ છે. સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂ. ૬૭૯ કરોડ.

નર્મદા યોજના
• રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રપ્રશાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવેલ છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *