અમદાવાદમાં બંગલો છોડીને ફિઝિયોથેરાપિસ્ટ યુવતી હોટેલમાં રોકાવા આવી, બીજા દિવસે લટકતી લાશ મળી

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતી અને ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ એસ.જી. હાઇવે પર આવેલી હોટલ જીંજરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વસ્ત્રાપુર પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી બપોરે હોટેલમાં એકલી આવી હતી અને તેની સગાઈથી નાખુશ હોવાથી ગળાફાંસો ખાય આત્મહત્યા કરી છે. જો કે વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
માસ્ટર કી થી દરવાજો ખોલતા કાજલ પંખે લટકેલી હાલતમાં મળી
મળતી માહિતી મુજબ, કુબેરનગર વિસ્તારમાં આવેલા શિવસાગર બંગલોઝમાં કાજલ સચદેવ નામની 24 વર્ષીય યુવતી પરિવાર સાથે રહેતી હતી.કાજલ ફિઝિયોથેરાપિસ્ટ હતી. કાજલ શનિવારે બપોરે ત્રણ વાગ્યે એસ.જી. હાઇવે પર આવેલી હોટેલ જીંજરમાં રૂમ રાખી રહેવા આવી હતી. દરમ્યાનમાં બીજા દિવસે સવારે હોટેલ સ્ટાફે દરવાજો ખખડાવવા છતાં કાજલે દરવાજો ન ખોલતાં માસ્ટર કી થી દરવાજો ખોલતા કાજલ પંખે લટકેલી હાલતમાં મળી આવી હતી. કાજલની મિત્રને જાણ કરતા હોટલ પર આવી હતી અને પોતાની મિત્ર હોવાની ઓળખ કરી હતી.
યુવતી વર્ક ફ્રોમ હોમ કરતી હતી
બીજી તરફ પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પીઆઇ આર.એમ સરોદેએ જણાવ્યું હતું કે યુવતી ફિઝિયોથેરાપિસ્ટ હતી અને વર્ક ફ્રોમ હોમ કરતી હતી. હોટલમાં એકલી રોકાવવા માટે આવી હતી. તેની સગાઈ કરી હતી, જે તેને મંજુર ન હોવાથી તેણીએ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે અને વધુ તપાસ કરવામાં અબી રહી છે. કોઈ સુસાઇડ નોટ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *