
સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં, જૂના ચોક બજાર પાસે આવેલા 200 વર્ષ જૂના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.
મહત્ત્વકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટમાં નડતર રૂપ હોવાથી આ કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ચર્ચના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કર્યા બાદ અને તેમની સહમતી બાદ તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી હોવાનું અધિકારીઓ દ્વારા જણાવાયું છે.
મીડિયા અહેવાલ મુજબ, ગુરુવારે સુરત તંત્ર અને જીએમઆરસી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના જૂના ચોક બજારમાં આવેલા અને લગભગ 200 વર્ષ જૂના એવા ચર્ચમાં આવેલા પ્રાર્થના હોલનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, મહત્ત્વકાંશી મેટ્રો પ્રોજેક્ટમાં નડતર રૂપ હોવાથી તેના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીએ ક્હ્યું કે, આ કામગીરી કરતા પહેલા ચર્ચના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમની સહમતી બાદ જ ડિમોલિશનની આ કામગીરી કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, આ ડિમોલિશન સામે વળતર પણ ચૂકવવામાં આવશે.
મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં હાલ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કેટલાક વિસ્તારમાં મેટ્રોની કામગીરીને કારણે અનેક વિવાદ પણ ઊભા થઈ રહ્યા છે. મેટ્રોની કામગીરીના કારણે કેટલાક માર્ગ પર ખોદકામ થવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઉપરાંત, મેટ્રોના રૂટમાં આવતી હોય એવી મિલકતોનું ડિમોલિશન થવા સામે યોગ્ય વળતર કે યોગ્ય સ્થળાંતરની સુવિધા ન મળતા પણ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.