ગાંધીનગર: ગુજરાત ગ્રામ ઉદ્યોગ-બજાર નિગમના ડેપ્યૂટી મેનેજરને વ્યાજના વિષચક્રમાં ફસાવી લાખો વસૂલ્યા! મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

ગાંધીનગરમાં ઊદ્યોગ ભવન ખાતે આવેલ ગુજરાત ગ્રામ ઉદ્યોગ અને બજાર નિગમમાં ડેપ્યૂટી મેનેજરે પૈસાની જરૂર હોવાથી 4 વર્ષ પહેલા વ્યાજે લીધેલા દોઢ લાખ રૂપિયા સામે 5 ટકા લેખે માસિક રૂ. 7500 વ્યાજની વસૂલાત કરી હોવા છતાં મૂડી માટે વ્યાજખોર દ્વારા ત્રાસ અપાતો હોવાથી સેક્ટર- 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

પત્નીને કેન્સર હોવાથી સારવાર માટે પૈસા ઉછીના લીધા હતા

ફરિયાદ મુજબ, ગુજરાત ગ્રામ ઉદ્યોગ અને બજાર નિગમમાં ડેપ્યૂટી મેનેજર પ્રોજેક્ટ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય હર્ષદભાઈ સોનીની પત્નીને લગભગ 4 વર્ષ પહેલા કેન્સરની બીમારીનું નિદાન થયું હતું. આથી સારવાર માટે હર્ષદભાઈને પૈસાની જરૂર હોવાથી તેમનો મિત્ર વર્તુળ થકી સુરેશભાઇ બોધવાનીનો પરિચય થયો હતો. સુરેશભાઈએ હર્ષદભાઈને એક વર્ષ માટેરૂ. દોઢ લાખ ઉછીના આપ્યા હતા. જોકે ત્યાર બાદ હર્ષદભાઈ પાસે 5 ટકા લેખે માસિક રૂ.7500 વ્યાજ સાથે વસૂલ્યા હતા. દરમિયાન હર્ષદભાઈ ટુકડે ટુકડે મૂડી આપવાની વાત કરે તો સુરેશભાઈ એક સાથે પૈસાની ચૂકવણી ન થાય ત્યાં સુધી વ્યાજ આપતા રહેવાની ફરજ પાડતા હતા. 

વ્યાજ આપવામાં મોડું થાય તો પેનલ્ટી વસૂલાતી

ઉપરાંત, વ્યાજ આપવામાં મોડું થાય તો પેનલ્ટી પણ લગાવતા હતા. દરમિયાન સુરેશભાઈએ ફોન કરીને હર્ષદભાઈને ધમકી આપી કે પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવા માટે લુખ્ખા તત્ત્વોને હવાલો આપી દેવાયો છે. ઉપરાંત, વારંવાર હર્ષદભાઈના ઘરે જઈ ધાક-ધમકી આપતા હતા. આથી કંટાળીને હર્ષદભાઈએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.  પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *