અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતી મેળવી છે. સાઇબર ક્રાઇમ પોલીસે નહેરુનગર જનપથ કોમ્પ્લેક્સમાંથી એક યુવકની ધરપકડ કરી છે જે માત્ર રૂ.1400માં ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઇલ ફોનના આઈએમઈઆઈ નંબર બદલી આપતો હતો. ધો.10 પાસ આ યુવાન કોમ્પ્યુટરમાં સોફ્ટવેયરના મદદથી ચોરી કરેલા કે ગુમ થયેલા મોબાઇલ ફોનના આઈએમઈઆઈ નંબર બદલી આપતો હતો, જેથી પોલીસ એ ફોનને ટ્રેસ કરી ના શકે.
રૂ.1400થી રૂ.5 હજાર સુધીમાં IMEI નંબર બદલી આપતો
મળતી માહિતી મુજબ, નહેરૂનગર ખાતે આવેલા જનપથ કોમ્પ્લેક્સમાં અબ્દુલ ખાલીદ મોહંમદ વસીમ શેખ ફોન રિપેરિંગની દુકાન ધરાવે છે. સાઇબર બ્રાન્ચને બાતમી મળી હતી કે, આરોપી અબ્દુલ રૂ.1400થી 5 હજાર રૂપિયામાં ચોરાયેલા કે ગુમ થયેલા ફોનના આઈએમઈઆઈ નંબર બદલી આપે છે. આથી સાઇબર ક્રાઇમ પોલીસે છટકુ ગોઠવી બોગસ ગ્રાહક મોકલી અબ્દુલને આઈએમઈઆઈ નંબર બદલતા રંગેહાથ ઝડપી લીધો હતો. અબ્દુલે અત્યાર સુધી કેટલાક ફોનના આઈએમઈઆઈ નંબર બદલ્યા છે તે લિસ્ટ તૈયાર કરવા સાઇબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી છે.
200થી વધુ ફોનના IMEI નંબર બદલ્યાની શંકા
આ કાર્યવાહી હેઠળ પોલીસે કોમ્પ્યુટર તેમ જ યુટીએમ ટૂલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તપાસમાં ખુલ્યુ છે કે, અબ્દુલ બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહે છે અને તેણે માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. આરોપીએ અત્યાર સુધીમાં 200થી વધુ ફોનના આઇએમઇઆઇ નંબર બદલ્યા હોવાની આશંકા છે.