ગાંધીનગર: ગુજરાત પોલીસની ખાસ ઝુંબેશ: EFIRમાં મળેલી અને દફતરે કરેલી ફરિયાદોની પુન:તપાસ કરી કાર્યવાહી કરશે

વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં ગુજરાત પોલીસ દ્વારા 23 જુલાઈ, 2022થી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ નોંધવા માટે e-FIRની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. જોકે, 8 ફેબ્રુઆરી, 2023 સુધીમાં આ eFIR સિસ્ટમ હેઠળ કુલ 7953 અરજીઓ મળી હતી, જેમાંથી માત્ર 1799 અરજીઓ માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જ્યારે બાકીની 6154 અરજીઓને દફતરે કરવામાં આવી છે.

દફતરે કરેલી અરજીઓની યાદી તૈયાર કરાશે

આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં દફતરે કરેલી અરજીઓ અંગે ચર્ચા થઈ હતી. આ મામલે ગાંધીનગરના સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો તરફથી નકારાત્મક પ્રતિભાવ મળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં 10થી 25 ફેબ્રુઆરી સુધીમાં એક ખાસ ઝુંબેશ શરૂ કરી સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુન:તપાસ કરી એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરવા સૂચન કરાયું છે. આ ઝુંબેશ માટે દફતરે કરેલી અરજીઓની યાદી પણ તૈયાર કરવામાં આવશે. 

સ્થાનિક પોલીસ દ્વારા સ્થળની મુલાકાત લેવાશે

માહિતી મુજબ, આ ખાસ ઝુંબેશ હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા અરજદારો પાસેથી વિગતો મેળવી સ્થળની મુલાકાત લેવામાં આવશે. સાથે એફઆઈઆર નોંધવાની કામગીરી પણ કરવામાં આવશે. વાહન ચોરીના ગુનામાં ANPR કેમેરાની મદદથી સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવશે. જ્યારે મોબાઇલ ચોરીના ગુનામાં રાજ્ય પોલીસ દ્વારા IMEI નંબરને ઓબ્ઝર્વેશનમાં મૂકી મોબાઈલ ફોનને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *