
કેન્દ્ર સરકારના નાણામંત્રીએ ૧લી ફેબ્રુઆરી બુધવારે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મત્સ્યોદ્યોગ માટે ૬ હજાર કરોડની ફાળવણી થતા ગુજરાત માછીમાર સેલે બજેટને આવકાર્યું હતું. તો ગરીબ, મધ્યમવર્ગ, મહિલાઓ, દિવ્યાંગો, ખેડૂતો, માછીમારો સહિત દરેક વર્ગને રાહત આપનારૂં બજેટ છે તેમ જણાવી જિલ્લા ભાજપ પ્રમુખે કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમને આજરોજ વર્ષ-૨૦૨૩-૨૪નું ફુલગુલાબી બજેટ રજુ કર્યુ હતું જેમાં વિવિધ સેકટરની સાથોસાથ મત્સ્યોદ્યોગ માટે પણ રૂપિયા ૬ હજાર કરોડ રૂપિયાનું માતબર બજેટ ફાળવ્યું છે જેને ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલ ટીમ આવકારે છે.
ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના ક્નવીનર મહેન્દ્રભાઈ જુંગીએ આજરોજ રજુ થયેલ બજેટને આવકારીને જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને તેના માટે જુદી-જુદી યોજનાઓ હેઠળ માછીમારોને સહાય, જુદા-જુદા બંદરોનો વિકાસ, બંદર ઉપર પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવી, નવા પ્લાન્ટની સ્થાપના સહિત અનેક વિધ મુદ્દા ઉપર ખાસ નજર રાખીને કામગીરી કરવામાં આવે છે અને તે અંતર્ગત ખાસ મત્સ્યોદ્યોગ ખાતું ગુજરાતના પનોતાપુત્ર પુરૂષોત્તમ રૂપાલાને ફાળવવામાં આવ્યું છે અને તેમના દ્વારા માછીમારોના હીત માટે સતત કેન્દ્ર સરકાર સુધી માછીમારોની યોગ્ય વાત પહોંચાડવામાં આવે છે જેને અનુલક્ષીને આજરોજ જાહેર કરવામાં આવેલ બજેટમાં રૂપિયા ૫ હજાર કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે જેને ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલની ટીમ આવકારે છે.
કેન્દ્રીયમંત્રી નિર્મલા સિતારમણજી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના રજુ થયેલ કેન્દ્રીય બજેટને આવકારતા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં ગરીબ, મધ્યમવર્ગ, મહિલાઓ, દિવ્યાંગો, ખેડૂતો, માછીમારોને નજર સમક્ષ રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ દરેક વર્ગને રાહત આપનારુ છે. આગામી ૨૫ વર્ષ ભારતને દિશા આપનારુ આ બજેટ ગરીબ, મધ્યવર્ગના સપનાને સાકાર કરનારુ બજેટ છે. બજેટમાં અનેક પ્રોત્સાહિત યોજનાઓને સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ઇન્ફ્રાસ્ટ્રકટર પર ખૂબ ભાર મુકવામાં આવ્યો છે. જે ભારતના વિકાસની નવી ઉર્જા અને આત્મનિર્ભર ભારત માટે પ્રોત્સાહક રહેશે. દેશના નાગરીકોની આશાને પુર્ણ કરનાર આ બજેટને પોરબંદર ભાજપ આવકારે છે તેમ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા એ જણાવ્યું છે.