
29 મેના ભુજ આવશે અમિત શાહ, કચ્છ સીમા વિસ્તારની કરશે હાઇ લેવલ સુરક્ષા સમીક્ષા
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આગામી દિવસોમાં દેશના સીમાવર્તી વિસ્તારોના પ્રવાસે નીકળવાના છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને જવાનો સાથે સીધો સંવાદ સાધવા માટે તેઓ વિવિધ સરહદી રાજ્યોની મુલાકાત લેશે. આ કાર્યક્રમ અંતર્ગત 29 મેના રોજ તેઓ કચ્છના ભુજ આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી 25 મેની રાત્રે રાજસ્થાનના બિકાનેર પહોંચશે. ત્યારબાદ સવારે BSFની સીમા ચોકી સાંચુની મુલાકાત લઈને જવાનો સાથે સંવાદ કરશે તેમજ સુરક્ષાદળો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. બપોરે બિકાનેર ખાતે સરહદી સુરક્ષા સંબંધિત ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે.
ત્યારબાદ 29 મેના રોજ Bhuj ખાતે ગૃહમંત્રી અમિત શાહ BSFની સીમા ચોકી અને હરામીનાળાનો પ્રવાસ કરશે. આ ઉપરાંત તેઓ 5 જૂને ત્રિપુરા સીમા વિસ્તાર અને 15 જૂન આસપાસ પશ્ચિમ બંગાળની સરહદી વિસ્તારોની મુલાકાત લેવાના છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં ગૃહમંત્રી અમિત શાહની કચ્છ સીમા વિસ્તારની આ બીજી મુલાકાત છે. નવેમ્બર 2025માં તેઓ BSFના રાઇઝિંગ-ડે પરેડના રાષ્ટ્રીય કાર્યક્રમ માટે ભુજ આવ્યા હતા અને રાત્રિરોકાણ પણ કર્યું હતું. તે પહેલાં ઓગસ્ટ 2023માં કોટેશ્વર નજીક રણસાગર સીમા વોચ ટાવરનું ઉદ્ઘાટન તેમજ મુરિંગ પ્લેસ તક્તીનું અનાવરણ કર્યું હતું. નવેમ્બર 2020માં ધોરડોમાં યોજાયેલા સરહદી વિકાસ કાર્યક્રમમાં પણ તેમણે ભાગ લીધો હતો.
‘ઓપરેશન સિંદૂર’ પછી ભારતીય સુરક્ષાદળો હાઇએલર્ટ પર છે. દેશની સરહદો વધુ મજબૂત બને તેમજ જવાનોને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ગૃહમંત્રી ખાસ ધ્યાન આપી રહ્યા છે. તેમના આગમનને લઈને કચ્છમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.