ઔડાનાં બગીચામાં વીજ થાંભલાનાં કરંટથી 21 વર્ષીય યુવકનું પ્રાણપંખેરું ઉડી ગયું

ગાંધીનગર :

દાહોદના સુનીલ બદીયાં અને તેની પત્ની રમીલાબેન અડાલજ વિસ્તારમાં આવેલ ભાટ ટીપી રોડ પર ઔડા ધ્વારા બનાવવામાં આવતાં ગાર્ડનમાં મજુરી કામ કામ કરે છે. દરરોજ અહીંના ગાર્ડનમાં કામ કરવાનું હોવાથી દંપતી અન્ય મજૂરો સાથે ગાર્ડન વિસ્તારમાં જ રહેતાં હતાં. ગઈકાલે પતિ પત્ની ગાર્ડનમાં કામ કરી રહ્યા હતા તે વખતે સુનિલ ગાર્ડનના ઘાસમાં પાણી છાંટી રહ્યો હતો. તે દરમિયાન સુનીલ ગાર્ડનમાં લગાવેલા વીજ થાંભલા પાસે પહોંચ્યો હતો. નવા બનતા ગાર્ડનમાં ઉભા કરાયેલા લાઇટના થાંભલામાં વીજ કરંટ ચાલુ હતો જેનાથી અજાણ સુનિલનો જમણો હાથ થાંભલાને અડકી ગયો હતો.

સુનિલનો હાથ થાંભલાને અડકી જતાં વીજ પ્રવાહ શરીરમાં પ્રવેશવાથી સુનિલ તરફડિયા મારવા લાગ્યો હતો. આ બનાવના પગલે ગાર્ડનમાં કામ કરતી તેની પત્ની તેમજ મજૂરો તુરંત દોડી આવ્યા હતા. જોકે, તે લોકો સુનિલને બચાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે નવા બનતા ગાર્ડનનું નિરીક્ષણ કરી ઘટના કેવી રીતે ઘટી તે બાબતે તપાસ શરૂ કરી હતી. આ અંગે હેડ કોન્સ્ટેબલ અરવિંદ જોશીએ જણાવ્યું હતું કે, શ્રમિક દંપતિ છેલ્લા ઘણા સમયથી અહીંયા મજૂરી કામ કરે છે ગઈકાલે ગાર્ડનમાં કામ કરતી વખતે સુનિલનો જમણો હાથ વીજળીનાં થાંભલાને અડી ગયો હતો જેનાં કારણે તેનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતા મૃતકના માતા-પિતા પણ મોડી રાત્રે આવી પહોંચ્યા હતા. આ અંગે ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *