17 દિવસે પણ યુદ્ધની આગ શમવાના સંકેત નહીં

17 દિવસે પણ યુદ્ધની આગ શમવાના સંકેત નહીં

ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે 16 દિવસથી ચાલતા યુદ્ધમાં અંતનો કોઈ અણસાર સુધ્ધાં મળી રહ્યો નથી. અમેરિકા અને ઈઝરાયલ બન્ને તરફથી યુદ્ધવિરામની શક્યતા સાફ શબ્દોમાં નકારી કાઢવામાં આવી છે. આજે એવા અહેવાલ હતા કે ઈરાન હુમલા બંધ થઈ જાય તો યુદ્ધવિરામ માટે તૈયાર થયું છે, જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુદ્ધ રોકવાની ઈરાનની શરત મંજુર નથી.

જો કે, મોડેથી ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધીચીએ યુદ્ધવિરામ અંગે તૈયારી અને વાટાઘાટ નકારી કાઢી હતી. બીજીબાજુ ખાર્ગ ટાપુ ઉપર અમેરિકાના હુમલા અને તહેરાનમાં ઈઝરાયેલના કહેર પછી વધુ ઉગ્ર બનેલા ઈરાને ખાડી દેશોમાં મિસાઇલ અને ડ્રોન હુમલાની નવી લહેર ચલાવીને ભારે તબાહી મચાવી દીધી છે. ઈરાન સામે અમેરિકાએ છેડેલાં યુદ્ધમાં અમેરિકાના સહયોગી ખાડી દેશો અકારણ ઈરાનના આડેહાથ આવી ગયા છે. આ દેશો તરફથી યુદ્ધવિરામ માટે વાટાઘાટની કોશિશો કરવામાં આવી હતી પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ઠુકરાવી દીધી હતી.

બીજીબાજુ ખાર્ગ દ્વીપ ઉપર અમેરિકાના હુમલા પછી વીફરેલા ઈરાને ખાડીમાં પોતાના પાડોશી દેશો ઉપર હુમલા તેજ કરી નાખ્યા હતા. જેમાં દુબઈ અને કુવૈતનાં એરપોર્ટ ઉપર તબાહી મચાવતા હુમલા કર્યા હતા. યુએઈના દુબઈમાં મરીના અને અલ સુફૂહ વિસ્તાર આજે પણ પ્રચંડ ધડાકાથી ધણધણતા રહ્યા હતા. ઈરાન તરફથી યુએઈના લોકોને ત્રણ પ્રમુખ બંદરો આસપાસનાં વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવાની ચેતવણી પણ આપી હતી. બીજીબાજુ ઈરાને પણ સ્પષ્ટ કહી દીધું છે કે, જ્યાં સુધી અમેરિકા અને ઈરાનના હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી તે યુદ્ધવિરામ માટે તૈયાર નથી. બે વરિષ્ઠ ઈરાની સૂત્રોએ કહ્યું હતું કે, ઘણા દેશો આ યુદ્ધને સમાપ્ત કરાવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. આમ, વોશિંગ્ટન અને તહેરાન, બન્ને તરફથી કોઈ હવે પાછી પાની કરવા તૈયાર નથી એટલે યુદ્ધ લાંબુ ખેંચાવાની સંભાવના બળવતર બની ગઈ છે. આ ઘર્ષણમાં સામાન્ય નાગરિકોનાં મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 2000ને આંબી ગયો છે. જેમાં મોટાભાગનાં ઈરાની નાગરિકોનો સમાવેશ થાય છે.

બીજીબાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાને બંધ કરી નાખતા દુનિયામાં ઓઈલનાં ભાવો સળગી ગયા છે. ઈરાને કુવૈતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ડ્રોનથી હુમલો કર્યો હતો. જો કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સીવાય ફુઝૈરાહમાં પણ કાળા ધુમાડા ઉઠતા જોવા મળ્યા હતાં. અહીં જોર્ડનનો એક નાગરિક ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. દુબઈમાં ઈરાન મિસાઇલનો મારો પણ ચલાવી રહ્યું છે. અત્યાર સુધીમાં ઈરાને યુએઈ ઉપર 1800 મિસાઇલ અને ડ્રોન દાગી દીધા હોવાનું જાણવા મળે છે. આ હુમલાઓમાં કમસેકમ 294 લોકોનાં મૃત્યુ થયાં છે. ઈરાને યુએઈનાં ત્રણ બંદર- જાબેલ અલી પોર્ટ(દુબઈ), ખલીફા પોર્ટ(અબુધાબી) અને ફુઝારિયા પોર્ટથી દૂર રહેવાની ચેતવણી આપેલી છે. ઈરાન હવે આ મુખ્ય બંદરો ઉપર આક્રમણ કરવાની તૈયારીમાં હોવાનું દેખાઈ રહ્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *