વિશ્વામિત્રી નરહરિ બ્રિજ રોડ પર 8 ફૂટનો મગર ફરવા નીકળ્યો,રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ કાબૂમાં લીધો

વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ રોડ પર એકાએક રાત્રિના સમયે મહાકાય મગર દેખાતા કુતૂહલ સર્જાયું હતું. આ મહાકાય મગર જાણે જોગિંગ માટે આવ્યો હોય તેમ અચાનક રોડ પર આવી જતા વાહનચાલકો પોતાના વાહનો રોડ પર છોડી ભાગ્યા હતા. તો કેટલાક લોકો પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરતા નજરે પડી રહ્યા છે. આ અંગેની જાણ થતા વન વિભાગને સાથે રાખી રેસ્ક્યૂ ટીમે મગરને સહીસલામત પાંજરે પૂર્યા હતો અને વન વિભાગને સુપ્રત કર્યો હતો.

શહેરના નરહરિ હોસ્પિટલ પાસે આવેલ કમિશનર બંગલોના પાછળના ભાગે આવેલ વિશ્વામિત્રી નદી પરના બ્રિજ પાસે 8 ફૂટનો મહાકાય મગર લટાર મારવા નિકળ્યો હતો. લોકો પોતાના વાહનો રોડ પર મૂકી ભાગ્ય હતા. આ અંગેનો કોલ રેસ્ક્યૂ ટીમને આપવામાં આવતા ભારે જહેમત બાદ આખરે મગરને પકડવામાં સફળતા મળી હતી. મહાકાય મગરને પકડવા માટે લોકોની ભારે ભીડના કારણે રેસ્ક્યૂ ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આખરે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
નદી કે તળાવ મગરના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે, તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે, કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.