રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રનો લોકમેળો રાઇડ્સ સાથે યોજાશે, તા. 28મી એ હરાજી પૂર્ણ કરાશે

રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રનો લોકમેળો રાઇડ્સ સાથે યોજાશે, તા. 28મી એ હરાજી પૂર્ણ કરાશે

રાજકોટ
સૌરાષ્ટ્રનો લોકમેળો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે, ચકડોળે ચડેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો ભાતીગળ લોકમેળો રાઈડ સાથે જ યોજાવવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક બાદ આજે રાઈડ સંચાલકોની રાજકોટ જિલ્લા કલેકટર અને ડીસીપી ક્રાઇમ, તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને બેઠકના અંતે આગામી 25 તારીખ સુધીમાં ફોર્મ ભર્યા બાદમાં 28 તારીખ સુધીમાં હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.

રાઇડ્સ સંચાલકોએ માત્ર ચાર્ટડ એન્જિનિયરનું એક સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે જેને માન્ય રાખવામાં આવતા રાઇડ્સ સાથે મેળો યોજાઈ શકે છે. આજની બેઠકમાં સુઃખદ નિર્ણય થતા રાઈડ સંચાલકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને સરકારનો આભાર માન્યો હતો.

સૌરાષ્ટ્રનો લોકમેળો 1
સૌરાષ્ટ્રનો લોકમેળો 1

રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશએ જણાવ્યું હતું કે, મેળા બાબતે રાઈડ સંચાલકોની રાજ્ય સરકાર સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારે SOPમાં ફેરફાર કરી રિવાઇસ SOP જાહેર કરવામાં આવી છે અને આજે બધા રાઈડ સંચાલકો મળવા માટે આવ્યા હતા તેમની સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી 25 તારીખ સુધીમાં રાઈડ સંચાલકોને ફોર્મ ભરી દેવામાં માટે તક આપવામાં આવી છે અને 28 તારીખ સુધીમાં અમે હરાજી સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેશું.

આ પછી તમામ લોકો પર્ફોમન્સ લાયસન્સ માટે એપ્લાય કરી શકશે અને રાઈડ ઇન્સ્ટોલ કર્યા બાદ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને પછી પર્ફોમન્સ લાયસન્સ આપવામાં આવશે. નિયમ મુજબ પર્ફોમન્સ લાયસન્સ મેળવશે તો ચોક્કસ રાઈડ સાથે મેળો યોજાશે. અમને પણ અપેક્ષા છે કે મેળો રાઈડ સાથે જ યોજાઈ.

રાજકોટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મેળા બાબતે સરકાર તરફે રિવાઇસ SOP જાહેર કરવામાં આવી છે. આ જાહેર SOP દરેક રાઈડ સંચાલકો પાસે પણ ઉપલબ્ધ છે. પર્ફોમન્સ લાયસન્સ મેળવવા માટે અરજી કર્યાના 30 દિવસની અંદર લાયસન્સ આપવાનું રહેતું હોય છે, પરંતુ હવે સમય ઓછો છે માટે અમે ઝડપથી એટલે કે 15 દિવસની અંદર લાયસન્સ આપીશું.

નિયમ મુજબ લાયસન્સ શાખા પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કર્યા બાદ કમિટી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને નિયમ મુજબ ચકાસણી કર્યા પછી લાયસન્સ આપવામાં આવશે. મારી દરેક રાઈડ સંચાલકોને વિનંતી છે કે, સંચાલકો દ્વારા વહેલી તકે લાયસન્સ માટે એપ્લાય કરી દેવામાં આવે જેથી કરી છેલ્લી ઘડીએ ઘસારો ન થાય અને બધાને લાયસન્સ આપી શકાય.

આજ રીતે ખાનગી મેળાના સંચાલકો પણ લાયસન્સ બ્રાન્ચમાંથી SOP મુજબ એપ્લાય કરી લાયસન્સ મેળવી શકાશે બધા માટે નિયમ એક સરખા રાખવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રનો લોકમેળો 2
સૌરાષ્ટ્રનો લોકમેળો 2

રાઈડ સંચાલક કૃણાલ ભટ્ટએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારી રજૂઆત હતી કે મેળામાં રાઈડ ઈન્સ્ટોલેશન માટે નિયમો હળવા કરવામાં આવે. અમારા દ્વારા રાજ્ય સરકાર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર સુધી રજુઆત કરવામાં આવી હતી. જે રજૂઆત માન્ય રાખી સરકાર દ્વારા SOP રિવાઇઝ કરી નિયમો હળવા કરવામાં આવ્યા છે. હવે અમારે માત્ર ચાર્ટડ એન્જિનિયર પાસેથી સર્ટિફિકેટ મેળવી એક સોગંદનામું મેળવી લાયસન્સ માટે એપ્લાય કરવાનું રહેશે.

જે આપ્યા બાદ રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી મળશે. આનાથી રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેળામાં અમે રાઇડ્સ ઇન્સ્ટોલ કરી શકશું અને લોકોને મનોરંજન મળશે અને બધાની રોજીરોટી સારી રીતે થઇ શકશે. અમે આ અંગે સરકારનો આભાર માનીએ છીએ. કારણ કે, અમારી વાતનો સ્વીકાર કરી અમને નિયમો હળવા કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા શહેરમાં 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળો-2025માં વિવિધ શ્રેણીના સ્ટોલ્સના ફોર્મ વિતરણ કરી સ્વીકાર માટે તા. 25 જુલાઈ સુધીની મુદ્દત નિર્ધારિત કરવામાં આવી છે અને 28 જુલાઈ સુધીમાં હરાજી માટે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

લોકમેળા અંતર્ગત ડ્રો તથા હરરાજીવાળા તમામ કેટેગરીના સ્ટોલ,પ્લોટસના ફોર્મ ભરવા કે પરત કરવા ઈચ્છુકો સવારે 11થી સાંજે 4 દરમિયાન નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ શહેર-1, જુની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતેથી ફોર્મ મેળવીને પરત આપી શકશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *