બગોદરામાં મોડીરાત્રે ધોળકાના એક જ પરિવારના (પતિ-પત્ની અને 3 માસૂમ બાળક) ઝેરી દવા પીને સામૂહિક આપઘાત

બગોદરામાં મોડીરાત્રે ધોળકાના એક જ પરિવારના (પતિ-પત્ની અને 3 માસૂમ બાળક) ઝેરી દવા પીને સામૂહિક આપઘાત

બગોદરા
બગોદરા

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે મોડીરાત્રે એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના બની છે. બગોદરા બસ સ્ટેશન પાસે આવેલા એક ભાડાના મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકના કરુણ મોત નિપજ્યાં છે.

મૃતકોની વિગતો

  1. વિપુલ કાનજીભાઈ વાઘેલા (દેવીપૂજક) – ઉંમર 32 વર્ષ (પતિ)
  2. સોનલ વિપુલભાઈ વાઘેલા – ઉંમર 26 વર્ષ (પત્ની)
  3. કરીના ઉર્ફે સિમરન વિપુલભાઈ વાઘેલા – ઉંમર 11 વર્ષ (પુત્રી)
  4. મયુર વિપુલભાઈ વાઘેલા – ઉંમર 8 વર્ષ (પુત્ર)
  5. પ્રીન્સી વિપુલભાઈ વાઘેલા – ઉંમર 5 વર્ષ (પુત્રી)

આ પરિવાર મૂળ ધોળકાના બારકોઠા વિસ્તાર, દેવીપૂજક વાસનો વતની હતો અને હાલ બગોદરા બસ સ્ટેશન પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. મૃતક વિપુલભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

બગોદરા -1
પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે

આ ઘટના તારીખ 20 જુલાઈના રોજ રાત્રે 1:30 વાગ્યા પહેલાના કોઈ સમયે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પાંચેય સભ્યએ રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને ત્યાર પછી ક્યારેય ઉઠ્યા જ નહીં. એક જ પરિવારના પાંચ સભ્યના આ સામૂહિક આપઘાતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

બગોદરા -2
મકાન

મકાન માલિક વાધાભાઈ અમરાભાઇ બોળીયાએ જણાવ્યું હતું કે, મારે ત્યાં એક મહિનાથી આ દેવીપૂજક પરિવાર રહેવા માટે આવ્યો હતો. તેમણે રાત્રે એક દોઢ વાગે દવા પીધી હતી. અમને બાજુના ભાડુઆતીએ જાણ કરી તો અમે તરત જ પોલીસને આ અંગે જાણ કરી દીધી હતી. જે બાદ અમે આ પરિવારના અન્ય કુટુંબીજનોને પણ જાણ કરી દીધી હતી. હાલ 180 દ્વારા તમામ મૃતદેહને દવાખાને લઇ જવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્યના SP, ધંધુકા ડિવિઝનના ASP, LCB PI, SOG PI, અને FSL અધિકારીઓ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્રિત કરી જરૂરી સૂચનો આપ્યા હતા અને આ ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

બગોદરા -3
પાંચેય મૃતદેહ

જોકે, આ પરિવારે કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું, તે અંગેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ દ્વારા હાલ તપાસ તજવીજ ચાલુ હોવાથી વધુ માહિતી તપાસ બાદ આપવામાં આવશે. પાંચેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પહેલાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પછી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *