રાજકોટના નામાંકિત બિલ્ડર બીશુ વાળાએ માતાજીના મઢમાં રિવોલ્વરથી આત્મહત્યા કરી

રાજકોટના નામાંકિત બિલ્ડર બીશુ વાળાએ માતાજીના મઢમાં રિવોલ્વરથી આત્મહત્યા કરી

રાજકોટ
રાજકોટ

રાજકોટના ફાઇનાન્સ અને બિલ્ડિંગ ક્ષેત્રે જાણીતું નામ એવા 62 વર્ષીય બીશુ વાળાએ આજે(13 જુલાઈ) વહેલી સવારે સરધાર નજીક આવેલા તેમના મૂળ ગામ ભંગડા ખાતે પોતાના ઘરે માતાજીના મઢમાં પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજકોટમાં શોક અને આઘાતનું મોજું ફરી વળ્યું છે. આ બનાવના પગલે આજીડેમ પોલીસ મથક અને સરધાર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં તેઓ છેલ્લા કેટલાક સમયથી અલ્સરની બીમારીથી પીડિત હતા અને કંટાળીને આપઘાત કરી લીધો હોવાનુ સામે આવ્યું છે.

રાજકોટ 1
રાજકોટ 1

રાજકોટમાં સ્થાયી થયેલા અને મૂળ ભંગડા ગામના વતની બીશુભાઈ વાળા (ઉંમર વર્ષ 62) ફાઇનાન્સ અને બિલ્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમનો વ્યવસાય વ્યાપક અને પ્રતિષ્ઠિત હતો અને તેઓ સમાજમાં પણ આગવું સ્થાન ધરાવતા હતા. આજે વહેલી સવારે તેઓ ભંગડા ગામે આવેલા તેમના ઘરે હતા ત્યારે માતાજીના મઢમાં બેઠા હતા તે દરમિયાન તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી લમણે ગોળી મારી દીધી હતી. ગોળીનો અવાજ સાંભળી પરિવારના સભ્યો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું હોવાનું જણાયું હતું.

ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ અને સરધાર પોલીસની ટીમ તાત્કાલિક ભંગડા ગામે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બીશુ વાળા છેલ્લા કેટલાક સમયથી અલ્સરની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ બીમારીના કારણે તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન અને નર્વસ રહેતા હતા. જે બીમારીથી કંટાળી અને હતાશ થઈને તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું છે.

જોકે, પોલીસે આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. બીશુ વાળાના અકાળે અવસાનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અને તેમના પરિવારજનો અને સંબંધીઓ આ ઘટનાથી ભાંગી પડ્યા છે. રાજકોટના ફાઇનાન્સ અને બિલ્ડિંગ ક્ષેત્રના અગ્રણી હોવાથી તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા વેપારી આલમ અને સમાજમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. અને મોટી સંખ્યામાં લોકો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ઉમટી પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તારણો બીમારી સંબંધિત તણાવ તરફ ઈશારો કરે છે, પરંતુ પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં વ્યક્તિગત તણાવ, આર્થિક સંકડામણ, કૌટુંબિક સમસ્યાઓ અથવા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ જવાબદાર હોય શકે છે. પોલીસ દ્વારા તેમના નજીકના સંબંધીઓ, મિત્રો અને વ્યવસાયિક ભાગીદારોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેથી મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ મામલે ACP આર.એસ બારીયાએ જણાવ્યું કે આજે સવારે 4 વાગ્ચે આજીડેમ પોલીસ મથક અંતર્ગત આવતા ભંગડા ગામે ઘટના બની હતી. બીશુ વાળા નામના જમીન-મકાન અને ફાઇનાન્સનું કામ કરતા વ્યક્તિએ આપઘાત કર્યો છે. લાયસન્સવાળી પોતાની પિસ્તોલ વડે તેમને આપઘાત કર્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની માનસિક બીમારીની દવા ચાલુ હતી. હાલ અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. FSLની ટીમ દ્વારા ભંગડા ગામે ફાર્મ હાઉસમાં તપાસ કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *