
વન ડે ઇતિહાસમાં 12 વર્ષ સુધી સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બનાવનારા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઇદ અનવર 54 વર્ષનો થઇ ગયો છે. સઇદ અનવરની આંતરરાષ્ટ્રીય કરિયર 13 વર્ષ (1990-2003) રહી હતી. 2001માં મુલતાન ટેસ્ટ આ ઓપનર બેટ્સમેન માટે અંતિમ ટેસ્ટ સાબિત થઇ હતી. આ ટેસ્ટમાં સદી ફટકારવા છતા તેને ફરી ટેસ્ટ ક્રિકેટ નહતી રમી અને બે વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો.
31 ઓગસ્ટ 2001માં પાકિસ્તાને એશિયન ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન મુલતાન ટેસ્ટના ત્રીજા દિવસે બાંગ્લાદેશ વિરૂદ્ધ ઇનિંગ અને 264 રનથી મોટી જીત મેળવી હતી, તે સમયે ટેસ્ટામં તે સૌથી મોટી જીત હતી (જોકે, એક વર્ષ પછી તેને ન્યૂઝીલેન્ડને લાહોર ટેસ્ટમાં ઇનિંગ અને 324 રને હરાવ્યું હતું). પાકિસ્તાન પોતાની વિશાળ જીતની ઉજવણી કરી શક્યુ નહતુ.

સદી ફટકાર્યા બાદ દીકરીના મોતના સમાચાર મળ્યા
તે મુલતાન ટેસ્ટમાં 546/3 રનના સ્કોરમાં પાકિસ્તાનના પાંચ બેટ્સમેનોએ સદી ફટકારી હતી (જે ઓસ્ટ્રેલિયા સાથે સંયુક્ત રીતે ટેસ્ટની એક ઇનિંગમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ છે), જેમાં સઇદ અનવર પણ સામેલ હતો, તેને 101 રન બનાવ્યા હતા, જે તેની 11મી અને અંતિમ સદી સાબિત થઇ હતી.
સઇદ અનવરના મુલતાન ટેસ્ટના પ્રથમ દિવસે સદી ફટકારવાના બે દિવસ પછી તેની સાડા ત્રણ વર્ષની દીકરી બિસ્માહનું લાંબી બીમારી બાદ મોત થયુ હતુ, તે લાહોર પરત ફર્યો હતો અને તે પછી ક્યારેય ટેસ્ટ ક્રિકેટ રમી નહતી.

દીકરીના મોત બાદ અનવરનો ઝુકાવ ધર્મ તરફ થઇ ગયો હતો અને તે ઇસ્લામના પ્રચાર-પ્રસારમાં લાગી ગયો હતો, તેને પોતાની દાઢી પણ વધારી હતી. બીજી તરફ સઇદ અનવર વન ડે ટીમમાં અંદર-બહાર થતો રહ્યો હતો. 2003 વર્લ્ડકપમાં તેને ભારત વિરૂદ્ધ સદી ફટકારી હતી પરંતુ પાકિસ્તાન તે મેચ હારી ગયુ હતુ. અનવરે તે સદી પોતાની સ્વર્ગીય દીકરીને સમર્પિત કરી હતી.
પાકિસ્તાનના આ ઓપનર બેટ્સમેને 1997માં ભારત વિરૂદ્ધ ચેન્નાઇમાં 194 રન બનાવ્યા હતા જે ત્યારે વન ડેની સૌથી મોટી ઇનિંગ હતી