ભુજમાં 35 લાખના ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપ્યો, અન્ય 12 આરોપીઓની શોધખોળ

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ભુજ શહેરમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને પકડ્યો છે. આરોપી મિરાઝ અરસદ મેમણ (34) હીનાપાર્ક-1, અમનનગર ચાર રસ્તા પાસેથી ઝડપાયો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે આત્મારામ સર્કલથી અમનનગર તરફના માર્ગ પર રેઇડ કરવામાં આવી. આરોપી CRIBET247.COM અને VEGASBOOK9.COM નામની વેબસાઇટ્સ પર ક્રિકેટ સટ્ટો રમતો-રમાડતો હતો. તેના મોબાઇલમાંથી બે આઈડીમાં કુલ 35 લાખ રૂપિયાનું બેલેન્સ મળી આવ્યું છે.
પોલીસે આરોપી પાસેથી બે મોબાઇલ ફોન (કિંમત 35,000 રૂપિયા) અને એક એક્ટિવા સ્કૂટર (કિંમત 30,000 રૂપિયા) જપ્ત કર્યા છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય 12 આરોપીઓની શોધખોળ ચાલુ છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.