બગસરામાં વીડિયો ગેમના રવાડે પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ-પગ પર જાતે બ્લેડના કાપા માર્યા

બગસરામાં વીડિયો ગેમના રવાડે પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ-પગ પર જાતે બ્લેડના કાપા માર્યા

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે જેમા 40થી વધુ વિદ્યાર્થીઓએે પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડી હતી. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ હતી. 

ધોરણ 5-6-7ના વિદ્યાર્થીઓ… 

માહિતી મુજબ બગસરા તાલુકાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ત્રણેક દિવસ પહેલા શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7 માં ભણતા હોવાનું જાણવા મળેલ છે.

તપાસની ઉગ્ર માગ 

આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ ‘અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે ’એવું કહીને જવાબ ટાળ્યા હતા. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા,જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માગણી કરેલ છે. 

સીસીટીવીની મદદ લેવાશે 

અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળનો કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે. 

ઘટનાનું કારણ શું? 

માહિતી અનુસાર વીડિયો ગેમના રવાડે ચઢી વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાના હાથ પર પેન્સિલના શાર્પનરથી ચીરાં પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. એક બાળકે તો તેના સાથી વિદ્યાર્થીઓને હાથ પર બ્લેડના કાપા મારવા માટે 10 રૂપિયા આપવા સુધીની ઓફર કર્યાની પણ જાણકારી મળી રહી છે. આ મામલો લગભગ આઠ દિવસ સુધી છુપાવાયો હતો અને આખરે ઘટના ઉઘાડી પડી જતાં મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બ્લૂ વ્હેલ નામની ગેમ આવી હતી જેમાં લોકોને પોતાની જાતને નુકસાન પહોંચાડવા અને જીવને જોખમમાં મૂકે તેવા ટાસ્ક આપવામાં આવતા હતા. તે એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે અમરેલીના બગસરામાં આ વિદ્યાર્થીઓ હાલ કઈ ગેમ રમી રહ્યા હતા તે તપાસનો વિષય છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *