
નવસારી PIનો સાંસદ રૂપાલા સાથેનો ફોટો વિવાદમાં:ધારાસભ્ય અનંત પટેલે ભાજપમાં જોડાવાનો કટાક્ષ કર્યો
નવસારીના પોલીસ ઈન્સ્પેક્ટર દીપક કોરાટ વિવાદમાં સપડાયા છે. તેમણે સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાથે પડાવેલા એક ફોટોએ જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
સાંસદ પુરુષોત્તમ રૂપાલા નવસારીમાં સામાજિક કાર્યક્રમ માટે આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક ભાજપના કાર્યકરો તેમની શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા, તે જ વેળા PI દીપક કોરાટ પણ સાંસદ પુરષોતમ રૂપાલાને મળવા પહોંચ્યા હતા, મુલાકાત પૂર્ણ થયા બાદ યાદગીરી માટે બધાએ રૂપાલા સાથે ફોટો પડાવ્યો હતો, જેમાં PI દીપક કોરાટ પણ ભેગા થઈને સાથે ફોટો પડાવ્યો હતો. બસ આ ફોટો વિવાદનું કેન્દ્ર બન્યો અને વાંસદાના ધારાસભ્ય એ તેમને ફેસબુક પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સામાજિક રીતે દીપક કોરાટ અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે પારિવારિક સંબંધોનું જાણવા મળ્યું છે જેમાં તેઓ માત્ર સૌજન્ય મુલાકાત લેવા માટે ગયા હતા, પણ તેમને ટ્રોલ થવાનો વારો આવ્યો છે.
આ ફોટોને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને PIને ભાજપમાં જોડાવા બદલ વ્યંગાત્મક અભિનંદન આપ્યા છે. આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે PI દીપક કોરાટ અગાઉ પણ વિવાદમાં રહ્યા છે. તેમણે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને આંદોલન કરતા રોક્યા હતા, જે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. હાલમાં આ નવા ફોટો વિવાદે જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે.
અગાઉ PI અને અનંત પટેલ વચ્ચે શું માથાકૂટ હતી?
2022માં નવસારી જિલ્લામાં કાર્યરત જેટકો કંપનીના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે લુંસીકુઈ મેદાનમાં ધરણા પ્રદર્શન યોજ્યું હતું, જેને રોકવા માટે તત્કાલીન LCB PI દિપક કોરાટે તેમને સમજાવીને આંદોલન સમેટવા માટે કહ્યું હતું. જોકે, અનંત પટેલે આંદોલન સમેટવા ના સ્થાને મારે બાજી શરૂ કરી હતી. જેને લઇને તમામને ડીટેઇન કરવાની કાર્યવાહી LCB PI દીપક કોરાટે કરી હતી. જેમાં ધારાસભ્ય અનંત પટેલને તેમણે સરકારી વાહનમાં બેસાડતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.