
થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત થલતેજમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે AMC દ્વારા પીપીપી ધોરણે ૪૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં મીયાવાકી પદ્ધતિથી ૧૨,૦૦૦ વૃક્ષો ઉછેરીને ઑક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે. તેમ મંત્રીએ કહ્યું હતું.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે ૪૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

‘ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફોર બ્લૂ સ્કાઇઝ’ નિમિત્તે ઓક્સિજન પાર્કના લોકાર્પણ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર-અમદાવાદ મતવિસ્તારના સાંસદ અમિતભાઈ શાહના માર્ગદર્શનથી અમદાવાદમાં ગ્રીન કવર વધે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઔદ્યોગિક વિકાસ અને વધતાં વાહનવ્યવહારને કારણે પ્રદૂષણના પડકાર સામે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરી છે, એ અભિનંદનને પાત્ર છે. એવું મંત્રીએ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર ગીતાબહેન પટેલ, અમ્યુકોના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેર હિતેષ બારોટ, મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા, સહિત અમ્યુકોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે થલતેજ વિસ્તારમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે ૪૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૧૨,૦૦૦ વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. આ ઓક્સિજન પાર્કમાં મીયાવાકી પદ્ધતિથી નાનું પરંતુ ગાઢ વન તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વિસ્તારવા માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન થકી છેલ્લાં વર્ષોમાં મોટા પાયે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૧૨૮ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.