ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત તેના ઘરમાં વન ડેમાં હરાવ્યું, રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ઇતિહાસમાં આજનો દિવસ ઝિમ્બાબ્વે ક્યારેય નહી ભૂલે. ઝિમ્બાબ્વેએ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું છે. આ ઓસ્ટ્રેલિયા માટે પણ મોટો ઝટકો છે. ઝિમ્બાબ્વેએ સીરિઝની ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવ્યું હતું.

સીરિઝ ઓસ્ટ્રેલિયાએ જીતી, ઝિમ્બાબ્વેએ ત્રીજી મેચ જીતી

મહત્વપૂર્ણ છે કે ઝિમ્બાબ્વે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બન્ને ટીમ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ રમાઇ હતી જેને ઓસ્ટ્રેલિયાએ 2-1થી જીતી લીધી છે. સીરિઝની ત્રીજી વન ડે મેચ ટાઉન્સવિલેમાં રમાશે. આ મેચમાં ફેન્સને આશા હતી કે ઓસ્ટ્રેલિયા ક્લીન સ્વીપ કરશે, પરંતુ દાંવ ઉંધો પડી ગયો હતો. ઝિમ્બાબ્વેએ ઉલટફેર કરતા ત્રીજી વન ડે 3 વિકેટે જીતીને ઇતિહાસ રચી દીધો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ 141 રનમાં ઓલ આઉટ

મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમની 10 રનમાં જ 2 ખેલાડી આઉટ થઇ ગયા હતા. 31 રનમાં ત્રીજી અને 59 રને ચોથી વિકેટ પડી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 31 ઓવરમાં 141 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

એકલા ડેવિડ વોર્નર જ લડાઇ કરતો જોવા મળ્યો હતો અને તેને 96 બોલમાં 94 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલે 19 રન બનાવ્યા હતા. આ સિવાય કોઇ પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડબલ અંક સુધી પણ પહોચી શક્યો નહતો. એરોન ફિંચ 5 અને સ્ટીવ સ્મિથ એક જ રન બનાવી શક્યા હતા. ઝિમ્બાબ્વે માટે રયાન પર્લે 3 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત કોઇ મેચ જીતી

142 રનના પડકારનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમે પણ સ્ટ્રગલ કરવુ પડ્યુ હતુ. ટીમે પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ અંતમાં 39 ઓવરમાં જીત મેળવીને ઇતિહાસ રચી દીધો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઝિમ્બાબ્વેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20)માં આ પ્રથમ જીત છે. ત્રણેય ફોર્મેટમાં ઝિમ્બાબ્વેએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની જમીન પર કુલ 16 મેચ રમી છે જેમાંથી એક મેચમાં જ જીત મેળવી છે. જેમાં 4 ટેસ્ટ અને 12 વન ડે મેચ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *