ગીરગઢડામાં અંડરગ્રાઉન્ડ બંકરમાંથી વિદેશી દારૂ-બિયરની 400થી વધુ પેટીઓ જપ્ત, 6ની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બેડીયા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂબંધીના કાયદાનો ભંગ કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. ગુપ્ત બાતમીના આધારે એક વાડીમાં આવેલા મકાનના અંડરગ્રાઉન્ડ બંકરમાંથી ₹35 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડામાં 6 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે બેડીયા ગામની એક વાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક રેડ પાડી હતી.
દરોડા દરમિયાન, પોલીસ પણ ચોંકી ઉઠી હતી જ્યારે તેમને મકાનની અંદર બનાવેલા અંડરગ્રાઉન્ડ બંકરમાંથી દારૂ અને બિયરની 400થી વધુ પેટીઓ મળી આવી હતી. દારૂનો જથ્થો એટલો મોટો હતો કે તેની ગણતરી હજુ પણ ચાલી રહી છે, જોકે અંદાજિત કિંમત ₹35 લાખથી વધુ હોવાનું કહેવાય છે.

પોલીસ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી દારૂનો આ જથ્થો દમણથી લાવવામાં આવ્યો હતો કે રાજસ્થાનથી, તે જાણી શકાય.

વારંવાર એક જ ગામમાંથી દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાવા છતાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મોટી કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલે સફળતાપૂર્વક પાર પાડી છે, જ્યારે જિલ્લા પોલીસ આટલા મોટા દારૂના રેકેટથી અજાણ રહી હતી.

